ગઈ કાલનો ઘટનાક્રમ પવારનો ઇલાજ પવાર દ્વારા કરવાનો બીજેપીનો પ્રયાસ છે અને તેમની મોડસ ઑપરૅન્ડીને ઓટીટીની ભાષામાં કહીએ તો ઑપરેશન શિવસેનાની સીક્વલ ઑપરેશન એનસીપી કહી શકાય.
ગઈ કાલે રાજભવનમાં શપથવિધિ દરમ્યાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર
બીજેપીએ એકનાથ શિંદેની જેમ જ અજિત પવારને પણ ફોડ્યા અને આખો પક્ષ જ જાણે હાઇજૅક કરી લીધો. હવે બીજેપી પક્ષપલટાની પ્રવૃત્તિને એક અલગ જ લેવલ પર લઈ જઈ રહી છે. થોડા વિધાનસભ્યો નહીં પણ આખા પક્ષને જ હાઇજૅક કરી જવાનું એણે શરૂ કર્યું છે. મૂળમાં હવે પવાર v/s પવાર જ છે, પણ એના ડિરેક્ટર હશે મોદી-શાહ અને ફડણવીસ. બીજી બાજુ ઉદ્ધવ અને પવાર બંનેમાં દીકરો અને દીકરીને પક્ષ વારસામાં આપવાની મનસા છે અને એ જ તેમને ભારે પડી. ફરક એટલો કે બીજેપીનો આ વખતે મુકાબલો શરદ પવાર સાથે છે, નહીં કે ઉદ્ધવ ઠાકરે સાથે...
ગઈ કાલે સવારે અજિત પવારે અચાનક જ પોતાના બંગલે પાર્ટીના અમુક નેતાઓ અને વિધાનસભ્યોની બેઠક બોલાવી ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આગામી ચારેક કલાકમાં શું બનવાનું છે. જોકે તેમણે એક રીતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીને જ હાઇજૅક કરી રાજ્યની બીજેપી-શિવસેના સરકાર સાથે જોડાઈને નરેન્દ્ર મોદીના વિકાસના મૉડલને આગળ લઈ જવાની વાત કરી હતી. અજિત પવારે તેમની સાથે કેટલા વિધાનસભ્યો છે એનો આંકડો નથી આપ્યો, પણ તેમનું કહેવું છે કે મોટા ભાગના વિધાનસભ્યો તેમની સાથે છે. બીજી બાજુ બપોરે એક વાગ્યે શરદ પવારે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ૬ જુલાઈની પાર્ટીની મીટિંગમાં અજિત પવારની નારાજગી વિશે ચર્ચા થશે અને પ્રદેશાધ્યક્ષનું પદ કોને આપવું એનો પણ નિર્ણય લેવામાં આવશે. જોકે એની ગણતરીની મિનિટોમાં તો અજિત પવારે રાજભવન પહોંચીને આઠ વિધાનસભ્યો સાથે પ્રધાનપદના શપથ લઈ લીધા. આ પહેલાં સુપ્રિયા સુળેએ ગઈ કાલે સવારે અજિત પવારના બંગલે બે વખત જઈને તેમને મનાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. હવે અત્યાર સુધીની ડબલ એન્જિન સરકાર ટ્રિપલ એન્જિન સરકાર બની ગઈ છે. હવે અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસની સાથે રાજ્યના નવા નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે.
ADVERTISEMENT
22
ગઈ કાલે રાજભવનમાં શપથવિધિ વખતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના આટલા વિધાનસભ્યો હાજર રહ્યા હતા.
ડબલ એન્જિન સરકારને ટ્રિપલ એન્જિન સરકાર મળી છે. અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાનના શપથ લેતાં હવે અમારી પાસે એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન છે. : એકનાથ શિંદે
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના અજિત પવાર અને તેમના સહયોગીઓ અમારી સાથે જોડાયા એથી મહારાષ્ટ્રના વિકાસને જરૂરી વેગ મળી રહેશે. હું તેમને આવકારું છું. : દેવેન્દ્ર ફડણવીસ
મને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીનું સમર્થન છે. મને બધાના આશીર્વાદ છે. આમાં દરેકનો સમાવેશ થાય છે (શરદ પવાર અને સુપ્રિયા સુળેનું નામ લીધા વગર). : અજિત પવાર

