એનસીપી હાઇજૅક : દેવેન્દ્ર ફડણવીસની વિકેટ લેનાર શરદ પવાર હિટ વિકેટ : અજિત પવાર તેમની સાથે મોટા ભાગના વિધાનસભ્યોને લઈને શિંદે-ભાજપની સરકારમાં જોડાયા; એટલું જ નહીં, તેમના નવ સાથીદારોને સીધા પ્રધાન બનાવી દીધા : પક્ષનું નામ અને ચિહ્ન એ જ રહેશે
ગઈ કાલે રાજભવનમાં એનસીપીના નેતાઓને મળી રહેલા દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવારે પુણેમાં પત્રકારો સામે પોતાની વાત રજૂ કરી હતી (તસવીર : શાદાબ ખાન)
શિવસેના સાથે છેડો ફાડીને એકનાથ શિંદેએ બીજેપી સાથે સરકાર બનાવી ત્યારે જે હાલત ઉદ્ધવ ઠાકરેની થઈ હતી કંઈક એવી જ હાલત રાજ્યના મુત્સદ્દી કહેવાતા રાજકારણના જૂના જોગી શરદ પવારની થઈ છે. અજિત પવાર તેમની સાથે બહુસંખ્ય વિધાનસભ્યોનો સાથ લઈને શિંદે-ભાજપની સરકારમાં જોડાઈ ગયા છે. એટલું જ નહીં, પહેલા જ ઝાટકે તેમણે તેમના નવ સાથીદારોને સીધું પ્રધાનપદ અપાવી દીધું છે. વળી તેમણે પક્ષ છોડ્યો નથી. પક્ષના નામ અને ચિહ્ન સાથે જ સરકારમાં જોડાયા છે.
અજિત પવારે રાજભવનમાં શપથ લીધા બાદ પ્રેસ-કૉન્ફરન્સ લીધી હતી. એમાં તેમણે પત્રકા રોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે એનસીપી અને એના બહુસંખ્ય વિધાનસભ્યોએ સાથે મળીને સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ભાજપ સાથે જોડાવા સંદર્ભે અમે થોડા દિવસથી ચર્ચા કરી જ રહ્યા હતા અને આખરે એને અમલમાં મૂકી છે. રાજ્યપાલે અમને પ્રધાનપદના સોગંદ લેવડાવ્યા છે. હાલ રાજ્યના પ્રધાનમંડળનો વિસ્તાર થયો છે અને હજી ટૂંક સમયમાં થવાનો છે. અમારા જે સાથીઓને પદ નથી મળ્યું તેમને પણ એમાં સમાવી લેવાનો પ્રયાસ કરવામાં આવશે. ઘણા દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી. હાલ દેશની અને રાજ્યની જે પરિસ્થિતિ છે એ જોતાં વિકાસને મહત્ત્વ આપવું જોઈએ એવું અમને લાગ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશનો કારભાર સંભાળે છે એ જોતાં તેમને સાથ આપવો જોઈએ એવું અમને લાગ્યું હતું. દેશમાં હાલ બધા જ વિરોધ પક્ષો એકબીજાની સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પ્રશ્નો છે. એ જોતાં એમાં કશું આઉટકમ નીકળે એવું લાગતું નથી. એટલે દેશને મજબૂત નેતૃત્વ આપે એવા નેતાની વધારે જરૂર છે અને એથી અમે મોદીસાહેબની સાથે જવાનો નિર્ણય કર્યો છે.’
ADVERTISEMENT
શુક્રવારે જ મેં વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધું હતું એમ જણાવીને અજિત પવારે કહ્યું હતું કે ‘એ પછી એનસીપીના સમારંભમાં પણ મેં મારી ભૂમિકા સ્પષ્ટ કરી હતી. હવે પછી યુવાનોને તક આપવી જરૂરી છે. અમે બધાએ ડેવલપમેન્ટનો જ વિચાર કર્યો છે. મહારાષ્ટ્રનો સર્વાંગી વિકાસ કરવો અને એ માટે કેન્દ્રમાંથી વધારેમાં વધારે નિધિ મેળવીને રાજ્યની જનતાને કઈ રીતે ફાયદો થાય એના પર અમે કામ કરીશું. એનસીપી પક્ષ તરીકે જ અમે સરકારમાં સામેલ થયા છીએ. પક્ષના નામ અને ચિહન સાથે જ અમે હવે પછીનું દરેક ઇલેક્શન લડીશું. નાગાલૅન્ડમાં અમારા પક્ષના સાત વિધાનસભ્યો છે જે ત્યાં બીજેપીની સરકારના સપોર્ટમાં છે જ. સાડાત્રણ વર્ષ પહેલાં અમે જાતીય કહેવાતી શિવસેના અને કૉન્ગ્રેસ સાથે મળીને સરકાર રચી હતી. જો અમે શિવસેના સાથે જોડાઈને સરકાર બનાવી શકીએ તો બીજેપી સાથે જવામાં શું તકલીફ છે? અમે તેમની સાથે પણ જોડાઈ શકીએ છીએ. અમે દલિત સમાજને લાભ અપાવીશું અને સાથે-સાથે એનસીપીને પણ મજબૂત કરવાની કોશિશ કરીશું. અમારી સાથે મોટા ભાગના સંસદસભ્યો અને વિધાનસભ્યો છે.’

