ચાંદિવલી વિધાનસભાના વિભાગ-અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીએ રાજ્યની ભાષાને મહત્ત્વ આપવામાં નહીં આવે તો MNS સ્ટાઇલમાં જવાબ આપવાની આપી ધમકી
અંધેરીના સાકીનાકા વિસ્તારમાં ગઈ કાલે MNSના કાર્યકરોએ બૅન્કમાં જઈને મરાઠી ભાષામાં કારભાર કરવાની ચેતવણી આપી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગુઢીપાડવાની જાહેરસભામાં મહારાષ્ટ્રમાં આવેલી બૅન્કોમાં મરાઠી ભાષામાં જ કારભાર કરવામાં આવે છે કે કેમ એ ચેક કરવાનું MNSના કાર્યકરોને કહ્યું હતું. મરાઠી ભાષામાં કારભાર ન થતો હોય તો બૅન્કોમાં જઈને આ સંબંધે ચેતવણી આપવાની વાત કરી હતી. આથી MNS દ્વારા ગઈ કાલે મુંબઈ, થાણે અને પાલઘર સહિતના વિસ્તારોમાં આવેલી બૅન્કોમાં જઈને મરાઠી ભાષામાં કારભાર કરવાનાં નિવેદન આપવામાં આવ્યાં હતાં.
MNSના ચાંદિવલી વિધાનસભાના વિભાગ-અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીએ તેમના કાર્યકરો સાથે અંધેરી-ઈસ્ટના સાકીનાકા મેટ્રો જંક્શન પાસેની યશ બૅન્ક દેના બૅન્ક, કૅનેરા બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્કમાં જઈને મરાઠી ભાષામાં કારભાર કરવા બાબતે નિવેદન સોંપ્યાં હતાં.
ADVERTISEMENT
મહેન્દ્ર ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજસાહેબે કહ્યા મુજબ અમે કૅનેરા બૅન્કમાં જઈને તપાસ કરી ત્યારે જણાયું હતું કે આ બૅન્કમાં મરાઠી ભાષામાં કારભાર થતો નથી. આથી અમે બૅન્કમાં જઈને મૅનેજરને મળ્યા હતા. તેમને કહ્યું હતું કે ગુલાબનું ફૂલ જોઈએ છે કે પથ્થર એ બૅન્કે નક્કી કરવાનું છે. મહારાષ્ટ્રમાં તમામ પ્રકારનો કારભાર મરાઠી ભાષામાં જ થવો જોઈએ. કોઈ મરાઠી વ્યક્તિ કે ભાષાનો વિરોધ કરશે તો તેને અમારી સ્ટાઇલમાં જવાબ આપવામાં આવશે.’
થાણે જિલ્લાના અંબરનાથમાં આવેલી બૅન્ક ઑફ મહારાષ્ટ્રનો મૅનેજર મરાઠી નથી અને તે મરાઠી બોલવાની ના પાડતો હોવાની માહિતી મળ્યા બાદ ગઈ કાલે MNSના કાર્યકરો આ બૅન્કમાં પહોંચી ગયા હતા અને મૅનેજરને ચેતવણી આપી હતી. આવી જ રીતે પાલઘરમાં પણ કેટલીક બૅન્કોમાં મરાઠી ભાષામાં કારભાર ન થતો હોવાની માહિતી મળતાં MNSના કાર્યકરોએ ગઈ કાલે આ બૅન્કોમાં જઈને મરાઠી ભાષામાં જ કારભાર કરવા બાબતના નિવેદનપત્રો સોંપ્યા હતા.

