લેટેસ્ટ કેસમાં ગઈ કાલે બાઇકસવારે રસ્તો ક્રૉસ કરી રહેલા ભૂતપૂર્વ પ્રધાનને ઉડાવ્યા : અમરાવતીની આ ઘટનામાં પ્રહાર સંગઠનના નેતા બચ્ચુ કડુને માથામાં માર વાગતાં ચાર ટાંકા લેવામાં આવ્યા
અકસ્માતમાં ઘાયલ થયેલા વિધાનસભ્ય બચ્ચુ કડુ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગયા વર્ષે શિવસંગ્રામના નેતા વિનાયક મેટેની કારનો ઍક્સિડન્ટ થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓનો ઍક્સિડન્ટ થવાનો ભેદી સિલસિલો ચાલી રહ્યો છે. ગઈ કાલે સવારે અમરાવતીમાં પ્રહાર સંગઠનના નેતા, ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય બચ્ચુ કડુ રસ્તો ક્રૉસ કરી રહ્યા હતા ત્યારે તેમને એક બાઇકવાળાએ ઉડાવ્યા હતા. બાઇકની ટક્કર લાગતાં બચ્ચુ કડુના માથામાં ઈજા થવાથી તેઓ રસ્તાના ડિવાઇડર પર પડી ગયા હતા. માથામાંથી લોહી નીકળતું જોઈને લોકોએ બચ્ચુ કડુને અમરાવતીની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
અમરાવતી પોલીસના જણાવ્યા મુજબ સવારના ૬થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન બચ્ચુ કડુ રસ્તો ક્રૉસ કરી રહ્યા હતા ત્યારે તેમને એક બાઇકસવારે ટક્કર મારી હતી, જેમાં તેમને માથામાં ગંભીર ઈજા પહોંચવાની સાથે હાથ અને પગમાં પણ ઈજા છે. ટક્કર માર્યા બાદ બાઇકવાળો પલાયન થઈ ગયો હતો. બચ્ચુ કડુ રસ્તાના ડિવાઇડર પર પડી ગયા હતા. તેમને સ્થાનિક લોકોની મદદથી પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને બાઇકસવારને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા મુજબ વિધાનસભ્ય બચ્ચુ કડુને માથા, હાથ અને પગમાં માર વાગ્યો છે. તેઓ રસ્તામાં પછડાયા હોવાથી તેમના શરીરમાં મૂઢ માર વાગ્યો છે અને માથામાં ચાર ટાંકા લેવામાં આવ્યા છે. બચ્ચુ કડુને બાદમાં આગળની સારવાર માટે નાગપુર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
નેતાઓના અકસ્માતનો સિલસિલો
૧૩ ઑગસ્ટ ૨૦૨૨ : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કારમાં પુણેથી મુંબઈ આવી રહેલા શિવસંગ્રામ પક્ષના નેતા વિનાયક મેટેની કારનો ઍક્સિડન્ટ થયો હતો, જેમાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. કારના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં એ આગળ જઈ રહેલા વાહન સાથે અથડાઈ હતી.
૫ નવેમ્બર ૨૦૨૨ : કૉન્ગ્રેસના મુંબઈના નેતા નસીમ ખાન હૈદરાબાદથી મહારાષ્ટ્રના નાંદેડ કારમાં જતા હતા ત્યારે તેમની કારનો ઍક્સિડન્ટ થયો હતો. આ ઘટનામાં કારનો ખુરદો બોલી ગયો હતો, પણ સદ્નસીબે નસીમ ખાનને ગંભીર ઈજા નહોતી થઈ. તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે નાંદેડ જતા હતા.
૨૪ ડિસેમ્બર ૨૦૨૨ : બીજેપીના વિધાનસભ્ય જયકુમાર ગોરે મોડી રાત્રે કારમાં સાતારા જઈ રહ્યા હતા ત્યારે તેમના ડ્રાઇવરે કાર પરથી નિયંત્રણ ગુમાવતાં કાર પુણે-પોલાદપુર હાઇવે પરના પુલ પરથી ખાડામાં પટકાઈ હતી. સદ્નસીબે આ અકસ્માતમાં જયકુમાર ગોરેને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ.
૫ જાન્યુઆરી ૨૦૨૩ : એનસીપીના વિધાનસભ્ય ધનંજય મુંડે મોડી રાત્રે કારમાં પરલી જઈ રહ્યા હતા ત્યારે તેમના ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવતાં કારનો ઍક્સિડન્ટ થયો હતો. આ અકસ્માતમાં ધનંજય મુંડેને છાતીમાં ઈજા થઈ હતી. ડૉક્ટરોએ આ ઘટના બાદ તેમને આરામ કરવાની સલાહ આપી હતી.