પીડિત શનાઝ ખાનને ૨૦૨૨ની ૪ નવેમ્બરે એક એજન્ટ દ્વારા થાઇલૅન્ડમાં નોકરી મળી હતી
પ્રતીકાત્મક તસવીર
એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે લોકલ પોલીસની ‘ભરોસા’ સેલની મદદથી થાણેનો પચીસ વર્ષનો એક શખ્સ પોતાના ઘરે પાછો ફર્યો છે. તે મ્યાનમારમાં નોકરીમાં ઉત્પીડનનો સામનો કરી રહ્યો હતો.
મીરા-ભાઇંદર વસઈ-વિરાર પોલીસની ‘ભરોસા’ સેલનાં ઇન્સ્પેક્ટર તેજશ્રી શિંદેએ જણાવ્યું હતું કે ‘પીડિત શનાઝ ખાનને ૨૦૨૨ની ૪ નવેમ્બરે એક એજન્ટ દ્વારા થાઇલૅન્ડમાં નોકરી મળી હતી. તે ટૂરિસ્ટ વિઝા પર ત્યાં ગયો હતો. બાદમાં તેને નોકરી માટે મ્યાનમાર ‘ધકેલવામાં’ આવ્યો હતો. તેને કથિત રીતે નોકરીમાં ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો અને ૨૮ દિવસમાં એક વાર તેને તેનો મોબાઇલ ફોન વાપરવાની છૂટ આપવામાં આવતી હતી. તેણે પરિવારના સભ્યોને આ વિશે ફરિયાદ કરી અને ભારત પરત આવવા માટે કહ્યું. પોલીસે તપાસ કરીને આખરે મ્યાનમારમાં તેને શોધ્યો અને ૩૧ માર્ચે ભારત પાછો લાવ્યા.’
ADVERTISEMENT
તેના પરિવારના સભ્યોએ પોલીસના ‘ભરોસા’ સેલનો સંપર્ક કર્યો હતો. શિંદેએ જણાવ્યું હતું કે ‘પોલીસ એ એજન્ટની પૂછપરછ કરી રહી હતી, જેણે આ વ્યક્તિ માટે વિદેશમાં નોકરીની વ્યવસ્થા કરી હતી. મીરા-ભાઇંદર વસઈ-વિરાર પોલીસે નાગરિકોને વિદેશમાં નોકરીની ઑફર કરતા એજન્ટોથી સાવધ રહેવાની પણ સલાહ આપી છે.’