શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, કૉન્ગ્રેસના ગઠબંધને ૪૮માંથી ૨૯ બેઠકમાં વિજય મેળવ્યો : BJP, એકનાથ શિંદે, અજિત પવારના ગઠબંધનને મળી માત્ર ૧૭ બેઠક
ગઈ કાલે ભાંડુપમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની ઉજવણી.
મહારાષ્ટ્રમાં બે વર્ષમાં શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં પડેલા ભાગલા જનતાને પસંદ નથી આવ્યા. લોકોએ ભાગલા બાદની શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવારને બદલે આ પક્ષોના મૂળ નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર વધુ વિશ્વાસ રાખીને મતદાન કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. આથી મહારાષ્ટ્રની ૪૮ બેઠકમાંથી BJPને સાથી પક્ષો સાથે અગાઉ જ્યાં ૪૧ બેઠક મળી હતી એની સામે આ વખતે માત્ર ૧૭ જ બેઠક મળી છે. વિરોધ પક્ષોની મહાવિકાસ આઘાડીને ૩૦ બેઠક મળી છે તો એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે.
રાજ્યમાં કૉન્ગ્રેસને સૌથી વધુ ૧૩, BJPને ૯, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - UBT)ને ૯, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને ૮, શિવસેનાને ૭ અને NCPને એક બેઠક મળી છે. સાંગલીની બેઠક પર કૉન્ગ્રેસમાં બળવો કરનારા વિશાલ પાટીલ અપક્ષ ચૂંટાઈ આવ્યા છે. મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટો ફાયદો કૉન્ગ્રેસને થયો છે. ૨૦૧૯માં રાજ્યમાં એક બેઠક હતી એની સામે આ વખતે રાજ્યના સૌથી મોટા પક્ષ તરીકે એ ઊભરી આવી છે.
ADVERTISEMENT
શરદ પવારે બારામતી બચાવ્યું
વિજયી દીકરી સુપ્રિયા સુળે સાથે શરદ પવાર.
મહારાષ્ટ્ર જ નહીં, આખા દેશની જેના પર નજર હતી એ બારામતીનો ગઢ શરદ પવારે સાચવી રાખ્યો છે. તેમનાં પુત્રી સુપ્રિયા સુળેએ તેમનાં ભાભી અને અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને ૩૨,૨૧૩ મતથી હરાવ્યાં છે. ભત્રીજા અજિત પવારે બળવો કરીને પક્ષના ભાગલા કરવાથી બારામતીમાં ચાર દાયકામાં શરદ પવારને પહેલી વખત પડકારનો સામનો કરવો પડ્યો હતો.
ત્રણ પ્રધાન વિજયી, ચાર પરાજિત
BJPએ મહારાષ્ટ્રમાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, રાવસાહેબ દાનવે, નારાયણ રાણે, ભારતી પવાર અને હિના ગાવિત તથા મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન સુધીર મુનગંટીવારને ચૂંટણીમાં ઉતાર્યાં હતાં. આમાંથી ત્રણ પ્રધાનનો વિજય થયો છે તો ચારે પરાજયનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ નૉર્થ બેઠક પરથી પીયૂષ ગોયલનો કૉન્ગ્રેસના ભૂષણ પાટીલ સામે ૩,૫૦,૯૨૧ મતથી, સિંધુદુર્ગ-રત્નાગિરિ બેઠક પરથી નારાયણ રાણેનો શિવસેના (UBT)ના વિનાયક રાઉત સામે ૪૮,૮૧૫ મતથી અને નાગપુરની બેઠક પર નીતિન ગડકરીનો કૉન્ગ્રેસના વિકાસ ઠાકરે સામે ૧,૩૪,૬૦૪ મતથી વિજય થયો છે. જાલના બેઠક પર રાવસાહેબ દાનવેનો કૉન્ગ્રેસના કલ્યાણ કાળે સામે ૫૬,૮૨૦ મતથી, દિંડોરી બેઠક પર ભારતી પવારનો કૉન્ગ્રેસના ભાસ્કર ભગારે સામે ૧,૦૯,૭૨૭ મતથી, નંદુરબાર બેઠક પર હિના ગાવિતનો કૉન્ગ્રેસના ગોવાલ પાડવી સામે ૧,૬૨,૫૯૬ મતથી અને સુધીર મુનગંટીવારનો ચંદ્રપુર બેઠક પર કૉન્ગ્રેસનાં પ્રતિભા ધાનોરકર સામે ૨,૩૭,૭૮૮ મતથી પરાજય થયો છે.
૧૭માંથી ૧૩ પરાજય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં મહાયુતિના ઉમેદવારો માટે ૧૭ જાહેર સભા અને રોડ-શો કર્યાં હતાં એમાંથી ૧૩ બેઠક પર પરાજય થયો છે. આથી મહારાષ્ટ્રમાં વડા પ્રધાનનો જાદુ નથી ચાલ્યો. મહારાષ્ટ્રમાં મહાયુતિના સાથી પક્ષોની સાથે BJPને પણ મોટું નુકસાન થયું છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં પચીસ બેઠકમાંથી ૨૩ બેઠક મેળવનારી BJPએ આ વખતે ૨૮ બેઠક પર ચૂંટણી લડી હતી એમાંથી માત્ર ૯ બેઠક પર જ સફળતા મળી છે.
મુખ્ય પ્રધાને ગઢ સાચવ્યો
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમનો થાણે જિલ્લાનો ગઢ સાચવ્યો છે. થાણે લોકસભા બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર નરેશ મ્હસ્કેએ ઉદ્ધવ ઠાકરે જૂથના બે વખતના સંસદસભ્ય રાજન વિચારેને ૨,૧૪,૬૪૪ મતથી તો કલ્યાણ લોકસભાની બેઠક પર તેમના પુત્ર શ્રીકાંત શિંદેએ ત્રીજી વખત ઉદ્ધવ ઠાકરે જૂથનાં ઉમેદવાર વૈશાલી દરેકરને ૨,૩૯,૫૦૫ મતથી હરાવ્યાં છે.
શિવશાહી કાયમ
છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના ઇષ્ટદેવ છે. આ વખતની ચૂંટણીમાં BJPએ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેને સાતારાની બેઠક પર ઉમેદવારી આપી હતી. તેમણે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ના ઉમેદવાર શશિકાંત શિંદે સામે ૩૨,૭૭૧ મતથી વિજય મેળવ્યો છે. કૉન્ગ્રેસે કોલ્હાપુર બેઠક પર છત્રપતિ શિવાજી મહારાજના બીજા વંશજ છત્રપતિ શાહુ શહાજીને મેદાનમાં ઉતાર્યા હતા. તેમણે શિવસેનાના સંજય માંડલિક સામે ૧,૫૩,૩૦૯ મતથી વિજય મેળવ્યો છે. આવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજના ત્રીજા વંશજ ડૉ. અમોલ કોલ્હેને (NCP-શરદચંદ્ર પવાર) પાર્ટીએ શિરુરમાં સતત બીજી વખત ચૂંટણી લડાવી હતી. તેમણે અજિત પવારની NCPના શિવાજી આઢળરાવને ૧,૩૫,૭૪૬ મતથી હરાવ્યા છે.
અમરાવતી ગુમાવ્યું
અમરાવતીની લોકસભા બેઠક પર ૨૦૧૯ની ચૂંટણીમાં BJPના સપોર્ટથી અપક્ષ તરીકે નવનીત રાણાનો વિજય થયો હતો. મહાયુતિમાં આ બેઠક BJPના ફાળે આવતાં લોકસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં જ નવનીત રાણાએ BJPમાં પ્રવેશ કર્યો હતો અને તેમને અહીંથી ઉમેદવારી આપી હતી. નવનીત રાણાનો કૉન્ગ્રેસના બલવંત વાનખેડે સામે ૧૯,૪૫૬ મતથી પરાજય થયો છે.
ઉમેદવારો મોડા જાહેર કરવાનો ફટકો પડ્યો: એકનાથ શિંદે
મહારાષ્ટ્રમાં મહાયુતિનો કારમો પરાજય થવા વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર બંધારણમાં ફેરફાર કરશે એવી અફવા ફેલાવવા ઉપરાંત ઉમેદવારો મોડા જાહેર કરવાથી અમને ફટકો પડ્યો છે. આ સિવાય કેટલીક બેઠક પર મહાયુતિમાં જ ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો હતો એને લીધે પણ મુશ્કેલી પડી છે.’
મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક |
|||
પક્ષ |
૨૦૨૪ |
૨૦૧૯ |
૨૦૧૪ |
BJP |
૦૯ |
૨૩ |
૨૩ |
શિવસેના |
૦૭ |
૧૮ |
૧૮ |
કૉન્ગ્રેસ |
૧૩ |
૧ |
૨ |
NCP |
૧ |
૪ |
૪ |
(NCP-શરદચંદ્ર પવાર) |
૦૮ |
- |
- |
શિવસેના (UBT) |
૦૯ |
- |
- |
પ્રેસ-કૉન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે.
મુંબઈના ૭૦,૦૦૦ મતદારોએ નોટાનું બટન દબાવ્યું
છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં સત્તાની સાઠમારીના અનેક ખેલ પડ્યા. યુતિમાં સાથે રહીને વિધાનસભાની ચૂંટણી જીતી શિવસેનાએ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને કૉન્ગ્રેસ સાથે મળીને સત્તા સ્થાપી. શિવસેનામાં ઊભી તિરાડ પડતાં સરકાર પડી ભાંગી. એ પછી ભારતીય જનતા પાર્ટી (BJP)એ એકનાથ શિંદે સાથે મળીને નવી સરકાર બનાવી. એ પછી NCPમાં ઊભી તિરાડ જેવાં રાજકીય સમીકરણો જોવા મળ્યાં. એથી કોઈ પણ રાજકીય પક્ષના કે અપક્ષ ઉમેદવારને લોકસભાની આ ચૂંટણીમાં લાયક ન ગણી મુંબઈના ૭૦,૦૦૦ મતદારોએ નોટા (NOTA - નન ઑફ ધ અબોવ)નો ઑપ્શન પસંદ કર્યો હતો.
મુંબઈમાં MNSનું સમર્થન કામ ન આવ્યું
લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિએ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે સાથેના શિવસૈનિકોને આકર્ષવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેનું સમર્થન મેળવ્યું હતું. રાજ ઠાકરેએ મુંબઈમાં શિવાજી પાર્ક, કલ્યાણ અને રત્નાગિરિમાં મહાયુતિના ઉમેદવારો માટે સભાઓ પણ કરી હતી. કલ્યાણ અને રત્નાગિરિમાં મહાયુતિને સફળતા મળી છે, પણ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે મહાયુતિ પર ભારે પડ્યા છે. મુંબઈ નૉર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ સેન્ટ્રલ અને મુંબઈ સાઉથ બેઠકોમાં શિવસેના મજબૂત છે. આથી અહીં રાજ ઠાકરેનું સમર્થન મળશે તો શિવસેનાના મતોનું વિભાજન થવાથી ફાયદો થશે એવું લાગતું હતું, પરંતુ અહીં MNSની અસર જોવા નથી મળી.