સરકાર ઉકેલ નહીં લાવે તો બજેટસત્રમાં મુંબઈમાં આંદોલન કરશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની ગણપતિ કે બીજાં દેવ-દેવીની મૂર્તિ બનાવવા, સ્થાપના કરવા કે સમુદ્ર-કુદરતી તળાવમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એને લઈને આવી મૂર્તિ બનાવતા મૂર્તિકારો લડી લેવાના મૂડમાં હોવાનું જણાઈ આવ્યું છે. રાજ્ય સરકાર આ બાબતે ઉકેલ નહીં લાવે તો બજેટસત્રમાં મુંબઈમાં આંદોલન કરવાની ચીમકી મૂર્તિકારોએ ઉચ્ચારી છે. મુંબઈમાં રાજ્યનું બજેટસત્ર ૮ માર્ચથી શરૂ થશે.
PoPની મૂર્તિ બનાવતા રાજ્યભરના મૂર્તિકારોની શુક્રવારે રાજ્યમાં જ્યાં સૌથી વધુ મૂર્તિઓ બનાવવામાં આવે છે એ પેણમાં બેઠક મળી હતી. આ બેઠકમાં મૂર્તિકારો દ્વારા PoPની મૂર્તિ પરના પ્રતિબંધ બાબતે સાથે મળીને લડત ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે પેણમાં આયોજિત સભામાં PoPની મૂર્તિ બાબતે યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે અત્યાર સુધી કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો. ઊલટું માઘી ગણેશોત્સવમાં PoPની મૂર્તિઓનું સમુદ્ર અને કુદરતી તળાવોમાં વિસર્જન કરવા નહોતું દીધું. સરકારના આ નિર્ણયથી મૂર્તિકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
પેણની બેઠકમાં મૂર્તિકારોએ દાવો કર્યો હતો કે PoPની મૂર્તિ શાડૂની માટીમાંથી બનાવવામાં આવતી મૂર્તિ કરતાં સસ્તી હોય છે. બીજું, શાડૂની મૂર્તિ બનાવવામાં વધુ સમય લાગે છે એટલે મૂર્તિકારો ઓછી મૂર્તિ બનાવી શકે છે જેને કારણે મૂર્તિકારના વ્યવસાયને નુકસાન થાય છે. જ્યાં સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી સરકારે PoPની મૂર્તિ બનાવવા પરનો પ્રતિબંધ દૂર કરવો જોઈએ એવી માગણી મૂર્તિકારોએ કરી છે. પેણના હમરાપુર વિભાગ મૂર્તિકાર સંગઠન દ્વારા આયોજિત બેઠકમાં મુંબઈ, થાણે, રાયગડ સહિત બાવીસ જિલ્લાના મૂર્તિકાર સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

