આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન કરનારાં યુગલોની સુરક્ષા માટે રાજ્ય સરકારે SOP બનાવી
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન કરનારાં યુગલો પર થઈ રહેલા હુમલાઓની નોંધ લઈને તેમની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરી છે. એટલું જ નહીં, તેમને રહેવા માટે સુરક્ષિત ઘર મળી રહે એ માટે ગાઇડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ અને બૉમ્બે હાઈ કોર્ટના નિર્દેશ મુજબ ગૃહ વિભાગે આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્ન કરનારાં કપલોની સુરક્ષા માટે શહેરોમાં કમિશનર ઑફ પોલીસ (CP) અને ગ્રામીણ વિસ્તારોમાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP)ના વડપણ હેઠળ એક સ્પેશ્યલ સેલ બનાવવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
CP અને SPને આ સ્પેશ્યલ સેલના હેડ અને એના મેમ્બરોનાં નામ વેબસાઇટ પર મૂકવાનું કહેવામાં આવ્યું છે.
આ માટે ખાસ ૧૧૨ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. સ્પેશ્યલ સેલને આ નંબર મારફત જે પણ માહિતી મળશે એને ગુપ્ત રાખવામાં આવશે.
બહુ જ જલદી રાજ્ય સરકાર આવા કપલ માટે સુરક્ષિત ઘર તૈયાર કરશે. દરેક શહેર અને જિલ્લામાં આવેલા સર્કિટ હાઉસમાં આ માટે એક રૂમ રિઝર્વ રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો કોઈ કારણસર સર્કિટ હાઉસમાં જગ્યા ન હોય તો ગવર્નમેન્ટ ગેસ્ટહાઉસ તેમના માટે ખાલી રાખવામાં આવશે. જો ગેસ્ટહાઉસમાં પણ જગ્યા ન હોય તો આવા કપલને કોઈ પ્રાઇવેટ જગ્યાએ ભાડેથી ઘર લઈને આપવાનું રહેશે અને એનો ખર્ચ સામાજિક ન્યાય ખાતાએ ઉપાડવાનો રહેશે.
આની તમામ માહિતી વેબસાઇટ પર મૂકવાની જવાબદારી કલેક્ટર અને સામાજિક ન્યાય વિભાગના ઇન્ચાર્જની રહેશે. આ સિવાય તેમણે રાબેતા મુજબ આ બધી માહિતી બૉમ્બે હાઈ કોર્ટને પણ સુપરત કરવાની રહેશે.
આવાં યુગલો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની માહિતી રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP), તમામ CP, SP અને ક્લેક્ટરોની રહેશે.