મુંબઈમાં ગઈ કાલે કોરોનાના પૉઝિટિવના ૮૮૯ નવા દરદી મળી આવ્યા હતા, જ્યારે રાજ્યમાં એ આંકડો ૧૩૫૭નો હતો
રાજેશ ટોપે
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ગિરદીવાળી જગ્યાએ માસ્ક પહેરવો હિતાવહ છે, એમ રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ સ્પષ્ટતા કરી છે. હાલમાં જ થયેલી ટાસ્ક ફોર્સની મીટિંગ બાદ ટાસ્ક ફોર્સના વડા ડૉ. પ્રદીપ વ્યાસે કેન્દ્રને પત્ર લખીને કહ્યું હતું કે ગિરદીવાળી જગ્યાઓ જેવી કે બસ, ટ્રેન, સ્કૂલ-કૉલેજ, થિયેટર અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવો જરૂરી છે. જોકે ‘જરૂરી’ એ ફરજિયાતના અર્થમાં નહોતું એવી સ્પષ્ટતા રાજેશ ટોપેએ કરી છે.
મુંબઈમાં ગઈ કાલે કોરોનાના પૉઝિટિવના ૮૮૯ નવા દરદી મળી આવ્યા હતા, જ્યારે રાજ્યમાં એ આંકડો ૧૩૫૭નો હતો. આમ રાજ્યના કુલ દરદીઓમાંથી ૬૫.૫ ટકા દરદી તો માત્ર મુંબઈમાંથી જ મળી આવ્યા હતા. રાજેશ ટોપેએ કહ્યું હતું કે ‘હાલ કેસ વધી રહ્યા છે એથી સાવચેતી રાખવી જરૂરી છે અને એથી બસ, ટ્રેન, સ્કૂલ-કૉલેજ, થિયેટર અને અન્ય ભીડભાડવાળી જાહેર જગ્યાઓએ માસ્ક પહેરવો હિતાવહ છે. હાલ માસ્ક ફરજિયાત પહેરવા બાબતે નિર્ણય નથી લેવાયો, પણ અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ૧૫ દિવસના સતત અવલોકન બાદ જો જણાશે તો ફરજિયાત માસ્ક પહેરવાનો નિર્ણય લેવાશે. ડૉ. પ્રદીપ વ્યાસે એમ પણ કહ્યું છે કે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે એ જોતાં ટેસ્ટિંગ પણ વધારવાની જરૂર છે.’