સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર શાસનના સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વાર્ષિક પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારંભ ૨૧ માર્ચે સાંજે ૭ વાગ્યે પી. ડી. બૅન્ક્વેટ્સ હૉલ, પાંચમા માળે, પી. એલ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી, દાદરમાં યોજાશે.
અકાદમી દ્વારા વિવિધ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. ગુજરાતી અને મરાઠી સાહિત્યકારોને અપાતું કવિ નર્મદ પારિતોષિક અનુક્રમે ભાગ્યેશ જહા તથા લક્ષ્મીકાંત તંબોળીને એનાયત કરવામાં આવશે. મહારાષ્ટ્રસ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવન ગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ક્ષેત્રે પ્રફુલ્લ પંડ્યા, કલા ક્ષેત્રે નિરંજન મહેતા, પત્રકારત્વ ક્ષેત્રે રમેશ દવે તથા સંસ્થાઓમાં ગુજરાતી વિભાગ-એસએનડીટી મહિલા વિદ્યાપીઠની પસંદગી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ અને વાર્તા વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે.
કવિતા વિભાગમાં રાજેશ રાજગોરના ‘શ્રીકૃષ્ણ ચરિતમ્’ (ગઝલ સ્વરૂપે) કાવ્યસંગ્રહને દ્વિતીય ઇનામ મળે છે.
નવલકથા વિભાગમાં પ્રથમ ઇનામ દેવયાની દવેની ‘આવકાર’ તથા દ્વિતીય ઇનામ ઊર્મિલા પાલેજાની ‘ત્રીજો ભવ’ નવલકથાને અપાશે.
લલિતનિબંધમાં ડૉ. સરોજિની જિતેન્દ્રના ‘જાત સાથે વાત’ પુસ્તકને પ્રથમ તથા નિરંજના જોશીના ‘છીપ મોતી શંખ’ પુસ્તકને દ્વિતીય ઇનામ મળશે.
વાર્તા વિભાગમાં કામિની મહેતાના ‘ઉડાન’ તથા નીલા સંઘવીના ‘નીલા સંઘવીની નવી વાર્તાઓ’ વાર્તાસંગ્રહને દ્વિતીય ઇનામ સંયુક્તપણે જાહેર કરવામાં આવે છે.
પ્રકીર્ણ વિભાગમાં પ્રથમ ઇનામ મેધા ગોપાલ ત્રિવેદીના ‘મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન’ પુસ્તકને અપાશે.
સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના અધ્યક્ષ માનનીય ઍડ્વોકેટ આશિષ શેલાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર દ્વારા પારિતોષિકો એનાયત કરવામાં આવશે.
જીવન ગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં ૧,૦૦,૦૦૦ રૂપિયા, જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઇનામમાં ૩૦,૦૦૦ અને દ્વિતીય ઇનામમાં ૨૦,૦૦૦ રૂપિયા, સન્માનપત્ર તથા સ્મૃતિચિહ્નનો સમાવેશ છે.
પારિતોષિકની પસંદગીમાં અકાદમીના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનમાં નિર્ણાયક સમિતિએ સેવા આપી હતી.
કાંદિવલીની બાલભારતીમાં શનિવારે વાર્તાકાર બાદલ પંચાલ તેમના પરિવાર સાથે વાર્તાપઠન કરશે
બાદલ પંચાલ, પૂજા પંચાલ, ઉર્વશી પંચાલ, વિરલ પંચાલ
કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવલી બાલભારતીમાં ગુજરાતી ટૂંકી વાર્તાઓ ઘરે-ઘરે પહોંચે એ હેતુથી શરૂ કરાયેલી બાલભારતી પારિવારિક ‘વાર્તાવંત’ શ્રેણીનો નવમો મણકો શનિવાર, ૨૨ માર્ચના રોજ સાંજે ૭ વાગ્યે યોજાશે. આ નવમા મણકામાં વાર્તાકાર બાદલ પંચાલ તેમના પરિવાર સાથે વાર્તાપઠન કરશે. બાદલ પંચાલને તેમની સ્વલિખિત ચાર ટૂંકી વાર્તાઓના પઠનમાં સાથ આપશે પત્ની પૂજા પંચાલ, ભાઈ વિરલ પંચાલ અને બહેન ઉર્વશી પંચાલ. વાર્તારસિકોમાં ખૂબ લોકપ્રિય થઈ રહેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓમાંથી પાંચ ભાગ્યશાળી શ્રોતાઓને પસંદ કરીને તેમને પુરસ્કૃત કરવામાં આવે છે. આયોજકો દ્વારા સૌ વાર્તારસિકોને આ જાહેર કાર્યક્રમમાં ભાવભર્યું આમંત્રણ છે. જો કોઈને લાગતું હોય કે તેમના પરિવારના સભ્યોને વાર્તા વાંચવાની ઇચ્છા છે તો તેમણે એ માટે તેમ જ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે હેમંત કારિયાનો 98211 96973 અથવા હેમાંગ તન્નાનો 98208 19824 નંબર પર સંપર્ક કરવો.
ભવન, ચોપાટીમાં બુધવારે ‘ગીત ગુજરાતી’ કાર્યક્રમ
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા બુધવાર, ૨૬ માર્ચે એક અનોખી કાર્યક્રમ શ્રેણી ‘ગીત ગુજરાતી’ યોજાશે. આ કાર્યક્રમમાં સુગમ સંગીતનાં બે લોકપ્રિય કલાકારો અમન લેખડિયા-સુરત અને દ્રવિતા ચોકસી ઑબેરૉય પોતાને તથા શ્રોતાઓને ગમતાં ગીતોની પેશકશ કરશે. વાદ્ય સંગીત આપશે દર્શક ઝવેરી (સુરત) અને પ્રકાશ પરમાર. આ કાર્યક્રમ-શ્રેણીનાં સંકલ્પના તથા સંયોજન નિરંજન મહેતાનાં છે. આયોજન અજિંક્ય સંપટનું છે. આ કાર્યક્રમમાં રસિકોને પ્રવેશ નિઃશુલ્ક છે. સ્થળ : ગીતા મંદિર ઍર-કન્ડિશન્ડ હૉલ, ભવન (ચોપાટી). સમયઃ સાંજે ૬ વાગ્યે.

