સુનીલ ગાવસકર ૩૦ વર્ષમાં ન કરી શક્યા એની જવાબદારી હવે અજિંક્ય રહાણેને આપવામાં આવી. મહારાષ્ટ્ર સરકારે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવા માટે બાંદરાનો ૨૦૦૦ ચોરસ મીટરનો પ્લૉટ લીઝ પર આપ્યો
બાંદરા રેક્લેમેશનમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવા માટે ૨૦૦૦ ચોરસ મીટરના પ્લૉટ અને સુનીલ ગાવસકર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ગઈ કાલે મંત્રાલયમાં કૅબિનેટની બેઠક મળી હતી જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અજિંક્ય રહાણેને બાંદરા રેક્લેમેશનમાં સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવા માટે ૨૦૦૦ ચોરસ મીટરના પ્લૉટને લીઝના ધોરણે ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લિટલ માસ્ટર સુનીલ ગાવસકર ક્રિકેટ ફાઉન્ડેશન ટ્રસ્ટને સરકારે ૧૯૮૮માં આ પ્લૉટ ઇન્ડોર ટ્રેઇનિંગ ઍકૅડેમી ઊભી કરવા માટે ફાળવ્યો હતો, પરંતુ તેઓ ૩૦ વર્ષમાં કંઈ નહોતા કરી શક્યા આથી રાજ્ય સરકારે આ પ્લૉટ સુનીલ ગાવસકરના ટ્રસ્ટ પાસેથી પાછો લઈને અજિંક્ય રહાણેને ફાળવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્ર હાઉસિંગ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)એ અજિંક્ય રહાણેને પ્લૉટની ફાળવણી કરવા માટેના ઠરાવને મંજૂરી આપી છે જેને આધારે ગઈ કાલે કૅબિનેટે આ સંબંધી નિર્ણય લીધો છે.
૩૦ વર્ષથી પ્લૉટમાં કોઈ પણ પ્રકારનું કામ નથી થયું એટલે આ પ્લૉટનો ઉપયોગ આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કચરો નાખવા માટે કરી રહ્યા છે. પ્લૉટની ફાળવણી કરાયા બાદ અજિંક્ય રહેણાએ એના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ગઈ કાલે પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સાથે ભારતીય ક્રિકેટ બોર્ડના ટ્રેઝરર આશિષ શેલારનો મુંબઈમાં વર્લ્ડ ક્લાસ ક્રિકેટ ઍકૅડેમી અને સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ બનાવવાના મારા વિચારને સમર્થન આપવા બદલ હું આભાર માનું છું. આ ઍકૅડેમીથી મારો ક્રિકેટનો પ્રવાસ જ્યાંથી શરૂ થયો હતો એ શહેરના ભવિષ્યના ચૅમ્પિયન્સને પ્રોત્સાહન મળશે.’