Caffeine Drinks banned near Schools-Colleges: એફડીએ પ્રધાને કહ્યું કે એનર્જી ડ્રિંકની જાહેરાતો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ સહિત આખા રાજ્યની શાળા અને કૉલેજોના 500 મીટરની અંદરના વિસ્તારમાં કેફીન યુક્ત એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પૂર્ણપણે પ્રતિબંધ (Caffeine Drinks Banned near Schools-Colleges) મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ની તપાસ બાદ કેફીન યુક્ત પીણાં વેચનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરશે. આ જાહેરાત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રધાન ધર્મરાવ બાબા આત્રામેએ વિધાન પરિષદમાં કરી હતી. એફડીએ પ્રધાને કહ્યું કે એનર્જી ડ્રિંકની જાહેરાતો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કૉંગ્રેસના વિધાનસભ્ય સત્યજીત તાંબેએ વિધાન પરિષદમાં બાળકો અને વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકારે નશા મુક્ત મહારાષ્ટ્ર અભિયાન શરૂ કર્યું છે, પરંતુ રાજ્યમાં કરિયાણાની દુકાનો, મૉલ અને શાળાઓ અને કૉલેજોની નજીકની દુકાનોમાં કેફીનયુક્ત એનર્જી ડ્રિંક્સનું ખુલ્લેઆમ ઓછા ભાવે વેચાણ થઈ રહ્યું છે. તે શાળા-કૉલેજ જનારા બાળકો માટે ડ્રગની જેમ જ હાનિકારક છે. મુંબઈ સહિત રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કેફીનયુક્ત એનર્જી ડ્રિંક્સ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખતરો બની ગયા છે. આ બાબતને ગંભીર ગણીને અધ્યક્ષ નીલમ ગોરહેએ ચિંતા વ્યક્ત કરી અને પ્રશાસનને આ મામલે આગામી 15 દિવસમાં બેઠક યોજવા આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
તાંબેએ કહ્યું કે જાહેરાતો પછી એનર્જી ડ્રિંકના નામે કેફીન યુક્ત કોલ્ડ ડ્રિંકનું સેવન (Caffeine Drinks Banned near Schools-Colleges) યુવાનોમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. આ પીણું સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. શાળા પરિસરમાં એનર્જી ડ્રિંક્સના વેચાણથી તે શાળાના બાળકો માટે સરળતાથી પહોંચી જાય છે. રાજ્યમાં શાળા પરિસરમાં કેફીનયુક્ત ઠંડા પીણાના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. તે બાદ પ્રધાન ધર્મરાવ બાબા આત્રમેએ રાજ્યની તમામ શાળા અને કૉલેજ પરિસરના 500 મીટરની અંદર કેફીનયુક્ત પીણાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
અનેક કંપનીના એનર્જી ડ્રિંક્સ મૉલ્સ અને રેસ્ટોરન્ટમાં વેચાય છે. એનર્જી ડ્રિંક્સ (Caffeine Drinks Banned near Schools-Colleges) પર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ તેનું સેવન ન કરવું જોઈએ તેવું લેબલ લગાવવામાં આવ્યું છે, પરંતુ મૉલ કે દુકાનદારો તેને વેચતી વખતે ધ્યાન આપતા નથી અને સગીર વયના બાળકોને વેચે છે. યુવાનોને આકર્ષવા માટે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આકર્ષક જાહેરાતો કરે છે, જેના કારણે યુવાનો આ જાળમાં ફસાઈ જાય છે અને કેફીનયુક્ત પીણાંનું સેવન કરે છે. માતા-પિતાને પણ ખબર નથી કે આ પીણાં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેને લીધે હવે સરકારે શાળા અને કૉલેજ પરિસરની આસપાસ એનર્જી ડ્રિંક પર પ્રતિબંધ મૂકવાનો આદેશ બહાર પડ્યો છે.

