કોરોનાગ્રસ્ત વ્યક્તિને કોવિડ સેન્ટરમાં સારવાર લેવા માટે ભરતી થવું ફરજિયાત, કોરોનાના નવા કેસ માટે આ નિયમ લાગુ પડશે
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની ફાઈલ તસવીર
રાજ્યમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે કોરોનાના દર્દીઓ માટે હૉમ આઈસોલેશનની સુવિધા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિએ સારવાર માટે ફરજિયાત કોવિડ સેન્ટરમાં જવું પડશે. કોરોનાના રેડ ઝૉન એવા ૧૮ જીલ્લામાં આ નિયમ લાગુ પડશે. હૉમ આઈસોલેશનમાં દર્દીઓ કોરોનાના નિયમોનું પાલન ન કરતા હોવાથી કોરોના સંક્રમણમાં વધારો થતો હોવાનું જાણવા મળ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે રાજ્ય સરકાર અને જીલ્લા અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે, જે જીલ્લાઓ રેડ ઝૉનમાં છે તે જીલ્લાઓમાં હૉમ આઈસોલેશનની સુવિધા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. તેમજ આ જીલ્લાઓમાં કોવિડ કેયર સેન્ટર અને બેડની ક્ષમતા વધારવામાં આવશે. તે સિવાય આ જીલ્લાઓમાં ટેસ્ટિંગ પર પણ ભાર મુકવામાં આવશે. તમામ ઉંમરના લોકો માટે આ સુવિધા બંધ કરવામાં આવી છે. પરંતુ જે લોકો અત્યારે હૉમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે તેમના માટે આ નિયમ લાગૂ નહીં પડે. હવેથી જે નવા કેસ આવશે તેમણે કોવિડ સેન્ટરમાં સારવાર માટે દાખલ થવું પડશે.
ADVERTISEMENT
રાજ્યમાં અત્યારે ભલે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પણ સાવધાની રાખવાની જરુર છે. મહારાષ્ટ્રના એ જિલ્લાઓમાં હૉમ આઈસોલેશનની સુવિધા બંધ કરવામાં આવી છે જ્યાં કોરોના પૉઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે છે. જેમાં કોલ્હાપૂર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશીમ, બીડ, ગડચિરોલી, અહમદનગર, ઉસ્માનાબાદ જીલ્લાનો સમાવેસ થાય છે. આ જીલ્લાઓમાં હૉમ આઈસોલેશનની સુવિધા બંધ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં એટલે કે સોમવારે કોરોનાના ૨૨,૧૨૨ નવા કેસ નોંધાયા હતા. તેમજ ૪૨,૩૨૦ લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે અને ૫૯૨ લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૫૬,૦૨,૦૧૯ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાંથી કુલ ૫૧,૮૨,૫૯૨ લાખ લોકો સાજા થયા છે અને કુલ ૮૯,૨૧૨ લોકોનાં મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યારે ૩,૩૦,૨૧૫ એક્ટિવ કેસ છે.