Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇલેક્શન પહેલાંના બજેટમાં રાજ્ય સરકારે ખોલ્યો ખજાનો

ઇલેક્શન પહેલાંના બજેટમાં રાજ્ય સરકારે ખોલ્યો ખજાનો

29 June, 2024 06:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખેડૂતોને મફત વીજળી, ઉચ્ચ શિક્ષણ માટે યુવતીઓને ફી-માફી, મહિલાઓને ૧૦ હજાર પિન્ક રિક્ષા, ૧૮ નવી મેડિકલ કૉલેજ અને ૧૪ જિલ્લામાં નવી હૉસ્પિટલ બનાવવા માટેની જાહેરાત: મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં પેટ્રોલ-ડીઝલ પરનો વૅટ ઓછો કરવામાં આવ્યો

ગઈ કાલે બજેટ રજૂ કરતાં પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારે વિધાનભવનના પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

ગઈ કાલે બજેટ રજૂ કરતાં પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારે વિધાનભવનના પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજના આશીર્વાદ લીધા હતા.


મહારાષ્ટ્રના મુંબઈમાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ગઈ કાલે નાણાપ્રધાન અજિત પવારે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં તેમણે ખજાનો ખોલી નાખ્યો હતો. બજેટમાં ખેડૂતો, મહિલાઓ, યુવતીઓ, યુવાથી લઈને તમામ વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ચારેક મહિના બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે એને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું અને એમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની રાજ્યનો સર્વાંગી વિકાસ કરવાની છાપ હોવાનું જણાઈ આવે છે. મધ્ય પ્રદેશની લોકપ્રિય ‘મુખ્ય મંત્રી લાડલી બહના યોજના’ની જેમ મહારાષ્ટ્રમાં ‘મુખ્ય મંત્રી માઝી લાડકી બહિણ યોજના’ માટે બજેટમાં ૪૬,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજનામાં ૨૧થી ૬૦ વર્ષની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયા આર્થિક મદદ કરવામાં આવશે. આ યોજના પહેલી જુલાઈથી અમલમાં મૂકવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ સહાય વાર્ષિક અઢી લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા પરિવારની એક મહિલાને મળશે. બજેટમાં ઘરદીઠ ત્રણ ફ્રી ગૅસ-સિલિન્ડર ઉપરાંત યુવાનોને સ્કિલ ટ્રેઇનિંગ માટે ૧૦,૦૦૦ રૂપિયાના સ્ટાઇપન્ડની પણ જાહેરાત કરવામાં આવી હતી.


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આવેલા મુંબઈ, નવી મુંબઈ અને થાણે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલ પરના વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT-વૅટ)માં ઘટાડો કરવામાં આવ્યો છે. ડીઝલમાં ૩ ટકા અને પેટ્રોલમાં ૧ ટકો વૅટ ઓછો કરવામાં આવતાં પહેલી જુલાઈથી પેટ્રોલના ભાવમાં ૬૫ પૈસા અને ડીઝલના ભાવમાં ૨.૦૭ રૂપિયાનો ઘટાડો થશે.



બજેટના ચમકારા
આઠ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોય એવા પરિવારની દીકરીની ઉચ્ચ શિક્ષણની ૧૦૦ ટકા ફી રીઇમ્બર્સ કરવામાં આવશે
૧૦,૦૦૦ મહિલાઓને પિન્ક ઑટોની સહાય કરવામાં આવશે
૧૪ જિલ્લામાં ૧૮ નવી મેડિકલ કૉલેજ શરૂ કરવાની સાથે હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે
નવી મુંબઈમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૫ એક જમીનમાં ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવશે
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આગામી પાંચ વર્ષમાં ૩૫,૪૦,૪૯૧ ઘરો બાંધવામાં આવશે
સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કા માટે ૧૮૮૬ કરોડ રૂપિયાની જોગવાઈ
શિવડી-વરલી લિન્ક રોડનો પ્રોજેક્ટ ૨૦૨૫ના અંત સુધીમાં પૂરો થઈ જશે
બાલકુમથી ગાયમુખ સુધીનો થાણે કોસ્ટલ રોડનો ૩૩૬૪ કરોડનો પ્રોજેક્ટ ૨૦૨૮ સુધીમાં પૂરો થશે
આ વર્ષે ૨૫ લાખ મહિલાને લખપતિ દીદી બનાવવામાં આવશે 


આ તો આશ્વાસનની અતિવૃષ્ટિ, ફેંકાફેંકીનું મહાપૂર : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે રજૂ કરેલા બજેટ વિશે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આ આશ્વાસનની અતિવૃષ્ટિ, ફેંકાફેંકીનું મહાપૂર અને બધા જ ઘટકો પોતાની સાથે હોવાનો પ્રયત્ન છે. મહારાષ્ટ્રની જનતા સમજુ છે. એ આવી જાહેરાતની વાતમાં નહીં આવે. અત્યાર સુધી જેટલી યોજનાઓ જાહેર કરી છે એમાંથી અમલમાં કેટલી મૂકી છે એનો સરકાર હિસાબ આપે. રાજ્યમાં હજારો યુવકો બેરોજગાર છે એમના માટે બજેટમાં કંઈ જ નથી. ખેડૂતોના વીજબિલ માફ કર્યાં, પણ તેમના માટેની સર્વાંગી યોજના ક્યાં?’ 


અઢી વર્ષ લાડકા બેટા યોજના ચલાવી હતી એ ભૂલી ગયા? : એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરેના આક્ષેપના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અઢી વર્ષ લાડકા બેટા યોજના ચલાવી હતી એનું શું? અમે સરકારમાં આવ્યા બાદ યુવકોને સરકારી નોકરી આપવા માટેના નિયમમાં ફેરફાર કર્યો હતો એટલે એક લાખ યુવાનોને નોકરી મળી. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે યુવાનો માટે કંઈ કરવાને બદલે પોતાના પુત્રને આગળ કરવાની બેટા યોજના ચલાવી હતી એનો જવાબ આપે. આ બજેટ ગાજર નહીં પણ વિકાસનું છે.’

આ ફેંકાફેંકીનું નહીં પણ આપણાં મા-બાપનું બજેટ છે : ફડણવીસ

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને જવાબ આપતાં કહ્યું હતું કે ‘પ્રગતિશીલ, સર્વસમાવેશક, સર્વજન હિતાય, સર્વજય સુખાય એવા પ્રકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે આ બજેટને ફેંકાફેંકીનું બજેટ કહી રહ્યા છે. આ ફેંકાફેંકીનું નહીં પણ આપણાં મા-બાપનું બજેટ છે. ખેડૂતોને મફત વીજળી આપવાનો ઐતિહાસિક નિર્ણય છે. કપાસ અને સોયાબીનના ઉત્પાદક ખેડૂતોને મદદ કરવાના નિર્ણયથી લઈને રાજ્યની મહિલાઓ, યુવાઓ સહિત દરેક વર્ગ માટે કંઈ ને કંઈ જોગવાઈ કરવામાં આવી છે. બજેટથી વિરોધીઓના ચહેરા ઊતરી ગયા છે.’

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK