મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે જૈન આચાર્ય વિમલસાગરસૂરિ મહારાજસાહેબે ચૂંટણીમાં જૈન મતદારોને સંબોધન કરતો મેસેજ મોકલ્યો છે
જૈનાચાર્ય શ્રી વિમલસાગરસૂરિ
કોઈ પણ ઉમેદવાર સંપૂર્ણપણે સાફસૂથરો નહીં મળે, જે વિકલ્પો છે એમાંથી સૌથી સારો ચૂંટજો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે જૈન આચાર્ય વિમલસાગરસૂરિ મહારાજસાહેબે ચૂંટણીમાં જૈન મતદારોને સંબોધન કરતો મેસેજ મોકલ્યો છે. આ મેસેજમાં મહારાજસાહેબે લખ્યું છે કે ‘મુંબઈ, પુણે, ભાઈંદર, જળગાવ જેવાં શહેરોમાં જૈન સમાજના મતદારોની સારીએવી સંખ્યા છે. આથી જૈન સમાજના મત મેળવવા માટે વિવિધ પક્ષોના ઉમેદવાર અથવા તેમના જૈન મિત્રો દ્વારા રાત્રિભોજનનાં આયોજન કરવામાં આવી રહ્યાં છે. આયોજકો જાણે છે કે જૈનો માત્ર રાત્રિભોજન માટે નહીં આવે એટલે ભોજનની સાથે ભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ચૂંટણીના પ્રચાર માટે કોઈ રાત્રિભોજન કરે અથવા કરાવતા હોય તો તે લોકો પાપના જિમ્મેદાર છે. રાત્રિભોજનના કાર્યક્રમની સાથે જિનેશ્વરની ભક્તિ અથવા મહાવીર પ્રભુના નામને ક્યારેય જોડી ન શકાય. આ વાતની નોંધ બધા જૈનોએ લેવી પડશે. કોઈ રાજનેતા કે મોટી વ્યક્તિ માટે જૈન ધર્મના સિદ્ધાંતોની બલિ ન આપી શકાય. જો આપણે કોઈ વ્યક્તિ કે પ્રસંગ માટે જૈન સિદ્ધાંતોની અવગણના કરતા જઈશું તો ધીરે-ધીરે આપણી મહાન પરંપરા સમાપ્ત થઈ જશે. સમાજના હિતની રક્ષા માટે ચૂંટણીમાં પ્રચાર કરવો, મત આપવો વર્તમાન લોકતંત્રમાં અત્યંત જરૂરી બની ગયું છે; પરંતુ સમાજ નાનો અને અહિંસક છે એટલે સમાજે ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીના સમર્થનમાં ખૂલીને ન આવવું જોઈએ એમાં જ સમાજની ભલાઈ છે. જ્યાં સુધી ઉમેદવારનો સવાલ છે તો કોઈ પણ ઉમેદવાર ૧૦૦ ટકા દાગ વિનાનો નહીં મળે. આવી સ્થિતિમાં આપણી પાસે વિકલ્પ હોય એમાંથી સૌથી સારા ઉમેદવારને ચૂંટવો એ આપણા હિતમાં રહેશે. જે રાજકીય પાર્ટીઓની નીતિ સમાજ અને ધર્મના વિરોધમાં છે તેમને હરાવવા એટલા જ જરૂરી છે. આ સમાજના અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ હકીકત છે. આથી બધાએ જાગૃત રહીને મતદાન કરવા જવું જરૂરી છે.’