એ દિવસે આ કાર્યક્રમમાં આવેલા નાગપુરના બે ચોરનો તાબો મુંબઈ પોલીસને મળ્યો, પણ તેમની પાસેથી કંઈ જ મળ્યું નથી
શપથગ્રહણ સમારંભ
મહારાષ્ટ્ર રાજ્યના ચીફ મિનિસ્ટરનો શપથગ્રહણ સમારંભ પાંચમી ડિસેમ્બરે આઝાદ મેદાનમાં પાર પડ્યો હતો જેમાં વિવિધ રાજ્યના ચીફ મિનિસ્ટરો સહિત દેશના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. એ ઉપરાંત આ કાર્યક્રમમાં બિનબુલાએ મહેમાન એવા ચોરોએ પણ હાજરી આપીને ૧૩ વ્યક્તિના આશરે ૧૮ તોલા સોનાના દાગીના તફડાવ્યા હતા. એની તપાસ કરી રહેલી આઝાદ મેદાન પોલીસે બે દિવસ પહેલાં નાગપુરમાં ચોરીના કેસમાં પકડાયેલા અમોલ ગીતે અને સુમિત રંગારીને મોબાઇલ લોકેશનના આધારે તાબામાં લીધા હતા. જોકે તેઓ પાસેથી ચોરાયેલી વસ્તુ ન મળતાં તેમણે ચોરી કરી ન હોવાની પોલીસને શંકા છે. આરોપી કાર્યક્રમમાં હાજર તો હતા, પણ તેમણે ચોરી કરી હોય એવો કોઈ પુરાવો પોલીસને મળ્યો નથી ત્યારે આઝાદ મેદાન પોલીસ ફરી એક વાર ડેડ-એન્ડ પર આવી ગઈ હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.
ચોરીનો ભેદ ઉકેલવા માટે ચીફ મિનિસ્ટરના શપથગ્રહણ સમારંભમાં લાગેલા ૫૦ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના દિવસભરનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં એમ જણાવતાં આઝાદ મેદાનના પોલીસ-ઇન્સ્પેક્ટર આનંદ શહાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શપથગ્રહણના દિવસે તમામ એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર હાઇવિઝન ૫૦ CCTV કૅમેરા ગોઠવવામાં આવ્યા હતા જેનાં બપોરે બે વાગ્યાથી રાતે ૮ વાગ્યા સુધીનાં ૧૫૦થી વધારે ફુટેજ અમારી ટીમે વીસથી વધુ વાર બારીકાઈથી સ્કૅન કર્યાં હતાં. જોકે એમાં કોઈ આરોપીની ઓળખ થઈ શકી નથી, કારણ કે એન્ટ્રી અને એક્ઝિટ દરમ્યાન લોકો એકસાથે ભીડમાં આવ્યા અને ગયા છે. આ ચોરીનો કેસ ઉકેલવા અમે લોકલ ચોરોને તાબામાં લઈને તેમની પૂછપરછ કરી હતી. એ સાથે તેમના કૉલ ડેટા અને લોકેશન પણ મેળવ્યાં હતાં જેમાં અમને કાંઈ હાથ લાગ્યું નથી. આ ઉપરાંત નજીકના ચોરીનો માલ લેતા-વેચતા જ્વેલરોની પણ અમે પૂછપરછ કરી હતી. તેમની પાસેથી પણ અમને કોઈ યોગ્ય માહિતી મળી નથી એટલે એમ કહી શકાય કે હાલમાં અમારી પાસે આ ચોરીના કેસમાં કોઈ ક્લુ હાથ લાગી નથી.’
ADVERTISEMENT
નાગપુરથી તાબામાં લેવાયેલા ચોરોએ નાગપુરમાં ચોરી કરી છે એના પુરાવા છે, પણ શપથગ્રહણમાંથી ચોરી કરી હોવાના કોઈ પુરાવા અમને મળ્યા નથી એમ જણાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ શહાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાગપુર પોલીસે અમોલ અને સુમિતની અલગ-અલગ ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. તેમના કૉલ ડેટા અનુસાર શપથગ્રહણના દિવસે તેઓ આઝાદ મેદાનમાં હોવાનું સ્પષ્ટ થયું હતું એટલે શંકાના આધારે તેમનો તાબો અમને આપવામાં આવ્યો હતો. જોકે આરોપીઓનું કહેવું છે કે અમે માત્ર શપથગ્રહણ સમારંભ જોવા માટે મુંબઈ આવ્યા હતા, અમે ત્યાંથી કોઈ ચોરી કરી નથી. જોકે આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’