મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે જનતાનો વિશ્વાસ ગુમાવનારા વિરોધ પક્ષોએ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ માંડ્યો
ફાઇલ તસવીર
સંસદમાં ગઈ કાલે વિરોધ પક્ષોએ લાવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યો ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે જનતાનો વિશ્વાસ ગુમાવી દેનારા વિરોધ પક્ષોએ સંસદમાં વિશ્વાસનો પ્રસ્તાવ લાવીને પોતાનું વસ્ત્રહરણ કરાવ્યું છે.મુખ્ય પ્રધાને ગઈ કાલે કહ્યું હતું કે ‘દેશભરમાં વિશ્વાસ ગુમાવનારા વિરોધ પક્ષો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા. જોકે સંસદમાં આવો ઠરાવ લાવીને વિરોધ પક્ષોએ પોતાનું જ વસ્ત્રહરણ કરાવ્યું છે. દેશની સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ અને સુધારા કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે એટલે વિરોધીઓ ગભરાઈ ગયા છે. કૉન્ગ્રેસના ૫૫થી ૬૦ વર્ષના ઇતિહાસમાં જેટલો વિકાસ નહોતો થયો એનાથી વધુ વિકાસ છેલ્લાં ૯ વર્ષમાં થયો છે. વિશ્વમાં વડા પ્રધાનના નેતૃત્વને માન્યતા મળી રહી છે એ જોઈને વિરોધીઓ હચમચી ગયા છે. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘દેશની જનતાએ વિરોધીઓ પર વારંવાર અવિશ્વાસ દર્શાવ્યો છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં સામાન્ય નાગરિકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ દાખવ્યો હતો. ૨૦૨૪માં પણ તેઓ ફરી ચૂંટાઈ આવશે એમાં કોઈ શંકા નથી. ભારતના નાગરિકોને હવે માત્ર સર્વાંગી પ્રગતિ અને આર્થિક વિકાસ જોઈએ છે. એકબીજાના હાથમાં હાથ નાખીને સૂત્રોચ્ચાર કરનારા અને પગની વચ્ચે પગ નાખીને પાડવાની તક શોધનારા વિરોધીઓ હવે ક્યાંયના નથી રહ્યા.’
શિવસેનાએ અપેક્ષાથી વધુ બેઠકો માગેલી
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીમાં મહારાષ્ટ્ર સદનમાં એનડીએના સાંસદોની બેઠક બોલાવી હતી અને એમાં તેમનું માર્ગદર્શન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાની યુતિ હોવા છતાં શિવસેનાના મુખપત્ર ‘સામના’માં મારી ટીકા કરવામાં આવતી હતી અને કોઈ પણ કારણ વગર વિવાદ ઊભો કરવામાં આવતો હતો. અમે ઘણું સહન કર્યું, પણ ઉદ્ધવ ઠાકરેને સત્તામાં રહીને અમારી ટીકા કરવામાં રસ હતો. બે વાત એકસાથે કેવી રીતે ચાલે? યુતિ બીજેપીએ નહીં પણ શિવસેનાએ તોડી હતી. શિવસેનાએ અપેક્ષા કરતાં વધુ બેઠકો માગી હતી.’
આ વિશે એકનાથ શિંદે જૂથના પ્રધાન શંભુરાજ દેસાઈએ ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત ૧૦૦ ટકા સાચી છે. શિવસેનાએ એ સમયે હઠ કરી હતી. અપેક્ષા કરતાં વધુ બેઠકો બીજેપી પાસેથી માગવામાં આવી હતી. આથી બીજેપી સાથેની શિવસેનાની યુતિ તૂટી હતી. આથી ઉદ્ધવ ઠાકરે જૂથ ભલે વારંવાર દાવો કરતું હોય કે અમિત શાહે શિવસેનાને મુખ્ય પ્રધાનપદ આપવાની વાત બંધબારણે થયેલી બેઠકમાં કરી હતી એનો કોઈ અર્થ નથી રહેતો. ઉદ્ધવ ઠાકરેના વલણને લીધે જ બીજેપી સાથેની શિવસેનાની યુતિનો અંત આવ્યો હતો.’