અઢી વર્ષ ઘરમાં બેસનારાઓને કંઈ કહેવાનો અધિકાર ન હોવાનું મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાતારામાં કહ્યું : મંત્રાલયમાં ન હોવા છતાં બે દિવસમાં ૬૫ ફાઇલ ક્લિયર કરી
ફાઇલ તસવીર
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાતારા અને તેમના વતનની મુલાકાતે છે ત્યારે તેમના પર વિરોધીઓ ટીકા કરી રહ્યા છે. મુખ્ય પ્રધાને ગઈ કાલે કહ્યું હતું કે હું રજા પર નથી, પણ ડબલ ડ્યુટી કરી રહ્યો છું. અઢી વર્ષ ઘરમાં બેસી રહેનારાને મને કંઈ કહેવાનો અધિકાર નથી એમ કહીને તેમણે ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું હતું. એકનાથ શિંદે અત્યારે સાતારા જિલ્લામાં આવેલા તેમના વતનના દરે (મહાબળેશ્વર) ગામની મુલાકાતે છે. મંત્રાલયમાં ન હોવા છતાં મુખ્ય પ્રધાને બે દિવસમાં મહત્ત્વની ૬૫ ફાઇલ ક્લિયર કરી હોવાનું જાણવા મળ્યું હતું.
મહાબળેશ્વર પાસેના વાઈમાં ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હું અહીં આવ્યો છું ત્યારે લોકો મને મળવા આવી રહ્યા છે. જનતા દરબાર ભર્યો. ખેતરમાં જાઉં છું, કામ જોઉં છું. સાતારા પ્રશાસનની બેઠક લીધી. મહાબળેશ્વર-પંચગીની પર્યટન સુશોભીકરણ વગેરેની બેઠકો લીધી. આગામી ચૂંટણીને દોઢ વર્ષ બાકી છે, પણ અમારી સરકારનાં આઠ મહિનાનાં કામ જોઈને વિરોધીઓને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેમને અમે કામથી જવાબ આપીશું. મેં ક્યારેય રજા લીધી નથી. અત્યારે હું ડબલ ડ્યુટી કરી રહ્યો છું. અઢી વર્ષ ઘરમાં બેસી રહેલા પાસે અત્યારે કોઈ કામ નથી એટલે આરોપ કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓની સંમતિ વગર બારસુ રિફાઇનરી યોજના હાથ નહીં ધરાય. કોઈને અન્યાય નહીં કરાય. માત્ર ઉદ્ધવ ઠાકરેનું મુખ્ય પ્રધાનપદ જવાથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ ગ્રીન રિફાઇનરી પ્રોજેક્ટ છે. આથી પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બારસુમાં રિફાઇનરી પ્રોજેક્ટ માટે વિનંતી કરી હતી. વડા પ્રધાને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. હવે તેઓ જ વિરોધ કરી રહ્યા છે.’
ADVERTISEMENT
દરમ્યાન જાણવા મળ્યું હતું કે એકનાથ શિંદે મંત્રાલયમાં નથી તો પણ તેમનું કામ ચાલુ છે. તેમણે વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા અધિકારીઓ સાથે વાતચીત કરીને બે દિવસમાં વિવિધ વિભાગની ૬૫ ફાઇલ ક્લિયર કરી હતી.
અજિત પવારનાં મુખ્ય પ્રધાનનાં પોસ્ટર ગાંડપણ
વિરોધ પક્ષના નેતા અજિત પવારનાં મુંબઈમાં ભાવિ મુખ્ય પ્રધાનનાં પોસ્ટર લાગ્યાં હતાં. આ વિશે એનસીપીના ચીફ શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાજ્યમાં મુખ્ય પ્રધાન બદલી રહ્યા છે એ તેમના સોર્સથી કહ્યું હશે. મને આ બાબતની કોઈ ખબર નથી. ખુદ અજિત પવારે કહ્યું છે કે તેમના મુખ્ય પ્રધાનપદનાં આવાં પોસ્ટર્સ લગાવવાં એ ગાંડપણ છે.’ ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે ભવિષ્યવાણી કરી છે કે આગામી ૧૫થી ૨૦ દિવસમાં એકનાથ શિંદેની સરકાર તૂટી પડશે.
આપ્પાસાહેબે જ બપોરના કાર્યક્રમ રાખવાનું કહેલું
૧૬ એપ્રિલે નવી મુંબઈના ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારના કાર્યક્રમમાં ગરમીને લીધે ૧૪ શ્રીસેવકોનાં મૃત્યુ થવા બાબતે રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ સાંજના સમયે જ આયોજિત કરવાનું પ્લાનિંગ થયું હતું. જોકે લાખોની સંખ્યામાં રાજ્ય અને આસપાસમાંથી શ્રીસેવકો આવશે એટલે તેમના માટે વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થશે એમ આપ્પાસાહેબ ધર્માધિકારીએ કહ્યા બાદ બપોરના સમયે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિરોધીઓ મંડપ ન બાંધવા બાબતે ટીકા કરી રહ્યા છે, પણ લાખોની સંખ્યામાં લોકો સામેલ થવાના હોય ત્યારે આટલો મોટો શામિયાણો બાંધવાનું શક્ય નથી. આથી ખુલ્લા મેદાનમાં જ કાર્યક્રમ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોઈ ભાગદોડ નહોતી મચી. ગરમીને લીધે કેટલાક લોકોની તબિયત ખરાબ થતાં તેમનાં મૃત્યુ થયાં છે. ૧૬ એપ્રિલે અચાનક તાપમાનમાં વધારો થવાથી આ સમસ્યા સર્જાઈ હતી. પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં પણ મૃત્યુ માટે ગરમીનું જ કારણ ડૉક્ટરોએ આપ્યું છે. આથી વિરોધીઓ કે બીજા કોઈએ આ બાબતે રાજકારણ ન કરવું જોઈએ. બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી છે એમાં પણ સત્ય સામે આવશે જ.’