મધ્ય પ્રદેશની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ લાવશે લાડલી બહના જેવી યોજના, રક્ષાબંધને જાહેરાત
એકનાથ શિંદે
મધ્ય પ્રદેશમાં તત્કાલીન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહન યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્ય પ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP)ને વિજય મળ્યો હોવાનું કહેવાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને BJPના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેએ રક્ષાબંધને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
‘મુખ્ય મંત્રી લાડકી બહિણ યોજના’માં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા આપવામાં આવશે. ઑક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે ૧૯ ઑગસ્ટે આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે. આ યોજનામાં અંદાજે ૯૦થી ૯૫ લાખ મહિલાઓને આર્થિક મદદ મળશે.