જોકે BJP, NCP અને શિવસેનામાંથી કેટલા પ્રધાન હશે એનું રહસ્ય અકબંધ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રની સરકારમાં આજે નાગપુરના વિધાનભવનમાં સાંજે ચાર વાગ્યે ૪૦ વિધાનસભ્યો પ્રધાન તરીકે શપથ લેશે. નાગપુરમાં ૧૯૯૧માં છેલ્લે પ્રધાનોની શપથવિધિ થઈ હતી એ બાદ આજે બીજી વખત શપથવિધિ થશે. દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન તેમ જ એકનાથ શિંદે અને અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે પાંચ ડિસેમ્બરે શપથ લીધા બાદ આજે રાજ્ય સરકારનું પહેલું પ્રધાન મંડળ વિસ્તરણ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ ગઈ કાલે પૂરી કરી દેવામાં આવી હતી. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશાધ્યક્ષો જેમને પ્રધાન બનાવવામાં આવશે તેમને ફોન કરીને જાણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આજે ૪૦ વિધાનસભ્યો પ્રધાન તરીકે શપથ લેશે એમાં BJP, NCP અને શિવસેનાના કેટલા વિધાનસભ્યો હશે એની કોઈ પક્ષે જાહેરાત નથી કરી એટલે પ્રધાનપદની લૉટરી કોને લાગે છે એનું રહસ્ય અકબંધ છે.
સૂત્રો મુજબ આજે રાજ્ય સરકારના પહેલા પ્રધાન મંડળ વિસ્તરણના કાર્યક્રમમાં સામેલ થવા માટે ૫૦૦ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે આથી આટલા લોકો રાજભવનની લૉનમાં બેસી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે છગન ભુજબળ પણ પ્રધાન તરીકે શપથ લે એવી શક્યતા છે. ૧૯૯૧ની બાવીસ ડિસેમ્બરે પહેલી વખત નાગપુરમાં પ્રધાનોની શપથવિધિ થઈ હતી ત્યારે એમાં છગન ભુજબળનો પણ સમાવેશ હતો. આથી રાજ્યના ઇતિહાસમાં આજે બીજી વખત સરકારના પ્રધાનોની શપથવિધિ થશે એમાં બન્ને વખત શપથ લેનારા પ્રધાન છગન ભુજબળ એકમાત્ર નેતા હોવાની શક્યતા છે.
૪૦ પ્રધાનોમાં BJPમાંથી ૨૧, શિવસેનામાંથી ૧૦ અને NCPમાંથી ૯ વિધાનસભ્યોનો સમાવેશ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.