પુણે નજીક તામ્હિણી ઘાટમાં લગ્નની બસ પલટી ખાતાં પાંચનાં મોત, ૨૭ જણ ઘાયલ
લગ્નની જાનની બસનો તામ્હિણી ઘાટમાં અકસ્માત થયો
પુણે જિલ્લાના લોહગાવથી માણગાવ જિલ્લાના બિરવાડી જઈ રહેલી લગ્નની જાનની બસનો તામ્હિણી ઘાટમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે ૨૭ જણ ઘાયલ થયા છે. ઘાયલોને માણગાવની ગ્રામીણ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એવું જાણવા મળ્યું છે કે બસ ઘાટમાંથી ઊતરી રહી હતી ત્યારે એક શાર્પ ટર્ન પર ડ્રાઇવર સ્ટીઅરિંગ પર કન્ટ્રોલ ન રાખી શક્યો અને બસ પલટી ખાઈ ગઈ હતી. આમ લગ્નની શરણાઈના સૂર અને આનંદ-ઉલ્લાસની જગ્યાએ મોતનો માતમ છવાઈ ગયો હતો.
આ દુર્ઘટનામાં કુલ પાંચ જણનાં મોત થયાં છે જેમાં સંગીતા જાધવ, શિલ્પા પવાર, વંદના જાધવ, ગૌરવ દરાડે અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ છે. જ્યારે ૨૭ જાનૈયાઓ આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય હાથ ધર્યું હતું અને ઘાયલોને માણગાવની ગ્રામીણ હૉસ્પિટલમાં ખસેડાયા હતા.