રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને કહ્યું કે મહાયુતિ અને મહા વિકાસ આઘાડીથી જનતા નારાજ હોવાનો ફાયદો ઉઠાવોઃ મુંબઈ, થાણે, પુણે અને નાશિક જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર લડશે
રાજ ઠાકરે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે ‘સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીમાં સામેલ પક્ષોથી મહારાષ્ટ્રની જનતામાં નારાજગી હોવાનું સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. જનતાના અસંતોષનો ફાયદો MNSને મળી શકે છે એટલે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજ્યની ૨૮૮ બેઠકમાંથી ૨૨૫ બેઠકમાં ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પુણે અને નાશિક જિલ્લામાં મનસૈનિકોની સારીએવી પકડ છે એટલે આ જિલ્લાની તમામ વિધાનસભામાં લડીશું. આથી આ માટેની તૈયારીમાં લાગી જાઓ.’
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત નથી થઈ ત્યાં સૌથી પહેલાં MNSએ ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. પક્ષનો વ્યાપ વધારવા અને જનતા સાથે ડાયરેક્ટ સંપર્ક કરવા માટે રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રનાં જુદાં-જુદાં ક્ષેત્રોમાં પ્રવાસ કરી રહ્યા છે.