શિવડીમાં ઉદ્ધવ ઠાકરે સામે અને પંઢરપુરમાં BJP સામે ઉમેદવાર ઉતાર્યા : શિવડીમાં બાળા નાંદગાંવકર અને પંઢરપુરમાં દિલીપ ધોત્રે વિધાનસભાની ચૂંટણી લડશે
રાજ ઠાકરે સોલાપુરમાં
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી માટે બે બેઠકના ઉમેદવાર જાહેર કરવાની સાથે તેઓ કોઈ સાથે યુતિ કરવાના મૂડમાં નથી અને ૨૨૫થી ૨૫૦ બેઠક પર ચૂંટણી લડવા મક્કમ હોવાનું જણાઈ આવ્યું છે. રાજ ઠાકરેએ મુંબઈની શિવડી વિધાનસભા બેઠક માટે બાળા નાંદગાંવકર અને પંઢરપુર વિધાનસભા બેઠક માટે દિલીપ ધોત્રેનાં નામ જાહેર કર્યાં હતાં. શિવડી બેઠકમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અજય ચૌધરી બે ટર્મથી વિધાનસભ્ય છે, જ્યારે સોલાપુર જિલ્લાની પંઢરપુર બેઠકમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના સમાધાન આવતાડે વિધાનસભ્ય છે. આ બેઠકોમાં હવે MNSની એન્ટ્રીથી મહાયુતિ અને મહાવિકાસ આઘાડી ઉપરાંત વધુ એક પક્ષનો ઉમેરો થયો છે.
વિધાનસભાની ચૂંટણીને ત્રણેક મહિનાનો સમય છે અને હજી સુધી સત્તાધારી કે વિરોધી પક્ષોએ ઉમેદવારોનો નિર્ણય નથી લીધો ત્યારે રાજ ઠાકરેએ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે.
ADVERTISEMENT
રાજ ઠાકરેએ ગઈ કાલે સોલાપુરની મુલાકાત વખતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મુંબઈની શિવડી અને સોલાપુરની પંઢરપુર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આવી જ રીતે મુંબઈની વરલી વિધાનસભા બેઠક પણ અમે લડીશું. ટૂંક સમયમાં યાદી જાહેર કરવામાં આવશે.’
સોલાપુરની હોટેલમાં રાજ ઠાકરેના વિરોધમાં સૂત્રોચ્ચાર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે સવારે સોલાપુરમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં બધું એટલું મબલક પ્રમાણમાં છે કે રૂપિયાનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો મહારાષ્ટ્રને આરક્ષણની જરૂર નથી. આ નિવેદન બાદ ગઈ કાલે બપોર બાદ રાજ ઠાકરે સોલાપુરમાં જે હોટેલમાં રોકાયા હતા ત્યાં મરાઠા સમાજના લોકો પહોંચી ગયા હતા અને રાજ ઠાકરે મરાઠા આરક્ષણ વિશે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે એવી માગણી કરી હતી. કેટલાક આંદોલનકારીઓએ રાજ ઠાકરે મુર્દાબાદનો સૂત્રોચ્ચાર કર્યો હતો. થોડા સમય બાદ રાજ ઠાકરે તેમની રૂમમાંથી બહાર આવ્યા હતા અને વિરોધ કરનારાઓ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યું હતું.