મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં તૈયાર કરવામાં આવેલાં ૪૨૬ મતદાન-બૂથ એવાં રહેશે જેમાં તમામ કર્મચારી મહિલા રહેશે. આ પૈકી નાશિક જિલ્લામાં સૌથી વધુ ૪૫ બૂથોનું સંચાલન મહિલાઓ કરવાની છે
વિધાનસભાની ચૂંટણીમાં તૈયાર કરવામાં આવેલાં ૪૨૬ મતદાન-બૂથ એવાં રહેશે જેમાં તમામ કર્મચારી મહિલા રહેશે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં તૈયાર કરવામાં આવેલાં ૪૨૬ મતદાન-બૂથ એવાં રહેશે જેમાં તમામ કર્મચારી મહિલા રહેશે. આ પૈકી નાશિક જિલ્લામાં સૌથી વધુ ૪૫ બૂથોનું સંચાલન મહિલાઓ કરવાની છે. આવાં મતદાન-બૂથો પર તહેનાત અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસો પણ મહિલા રહેશે. નાશિક બાદ જળગાંવમાં ૩૩, ગોંદિયામાં ૩૨, સોલાપુરમાં ૨૯ અને મુંબઈ ઉપનગર જિલ્લામાં ૨૬ મતદાન-કેન્દ્રો મહિલા સંચાલિત રહેશે.
મહિલા મતદાન-કેન્દ્રો ઊભાં કરવાથી મહિલાઓ મતદાન કરવા માટે વધારે પ્રમાણમાં બહાર આવશે એવી આશા સેવાય છે. આવાં મતદાન-કેન્દ્રોની સુરક્ષા બાબતે પણ વધારે કાળજી રાખવામાં આવી છે. આવાં મતદાન-કેન્દ્રો સંવેદનશીલ વિસ્તારોમાં નહીં હોય, પણ પોલીસ-સ્ટેશન કે તહસીલ કાર્યાલયની નજીક અને જલદી વરિષ્ઠ અધિકારીઓ સંપર્ક કરી શકે એવા વિસ્તારોમાં ઊભાં કરવામાં આવશે.
ADVERTISEMENT
જિલ્લાવાર વાત કરીએ તો પુણેમાં ૨૧, થાણેમાં ૧૮, સાતારામાં ૧૭, ઔરંગાબાદ અને નાગપુરમાં ૧૩-૧૩, મુંબઈ શહેર અને અહમદનગરમાં ૧૨, કોલ્હાપુરમાં ૧૦, વર્ધા, ચંદ્રપુર, નાંદેડ અને રાયગડમાં ૯-૯, અમરાવતી, બીડ, ભંડારા, પરભણી અને સાંગલીમાં ૮-૮, અકોલા, યવતમાળ અને બુલઢાણામાં ૭, પાલઘર, જાલના, લાતુર અને રત્નાગિરિમાં ૬-૬, ધુળેમાં પાંચ, નંદુરબાર અને ઉસ્માનાબાદમાં ૪-૪ અને વાશિમ, સિંધુદુર્ગ, ગડચિરોલી અને હિંગોલીમાં ૩-૩ મતદાન-કેન્દ્રોનું સંચાલન મહિલાઓ કરશે.
રાજ્યમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. ૨૩ નવેમ્બરે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.