પહેલા લિસ્ટમાં BJPએ દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે સહિત ૯૯ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં : મુંબઈના ૧૬ વિધાનસભ્યોમાંથી ૧૩ને કરવામાં આવ્યા રિપીટ, પણ...
દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની પહેલી યાદી
બોરીવલીથી સુનીલ રાણે, ઘાટકોપર-ઈસ્ટથી પરાગ શાહ અને વર્સોવા બેઠક પરથી ભારતી લવેકરને હજી સુધી ટિકિટ ફાળવવામાં નથી આવી : મીરા-ભાઈંદરમાં પણ પાર્ટીના ઉમેદવારનું નામ હોલ્ડ પર
આ છે BJPએ જાહેર કરેલા મુંબઈના ૧૪ ઉમેદવારો
ADVERTISEMENT
દહિસર
મનીષા અશોક ચૌધરી
કાંદિવલી-ઈસ્ટ
અતુલ ભાતખળકર
ચારકોપ
યોગેશ સાગર
મલાડ-વેસ્ટ
વિનોદ શેલાર
ગોરેગામ
વિદ્યા જયપ્રકાશ ઠાકુર
અંધેરી-વેસ્ટ
અમિત સાટમ
વિલે પાર્લે
પરાગ અળવણી
બાંદરા-વેસ્ટ
આશિષ શેલાર
કોલાબા
રાહુલ સુરેશ નાર્વેકર
મલબાર હિલ
મંગલ પ્રભાત લોઢા
સાયન કોલીવાડા
કૅપ્ટન આર. તામિલ સેલ્વન
વડાલા
કાલિદાસ નીલકંઠ કોળમ્બકર
ઘાટકોપર-વેસ્ટ
રામ કદમ
મુલુંડ
મિહિર કોટેચા
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે બહાર પાડેલા ૯૯ ઉમેદવારોના પહેલા લિસ્ટમાં મુંબઈની જે ૧૬ બેઠકો પર પાર્ટીની જીત થઈ હતી એમાંથી ત્રણ બેઠકોના ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી રાખ્યાં હતાં. નોંધનીય વાત એ છે કે આ ત્રણ સીટમાંથી બે બેઠકનાં પરિણામોની ચાવી તો ગુજરાતી અને મારવાડી મતદારોના હાથમાં છે.
બોરીવલી, ઘાટકોપર-ઈસ્ટ અને વર્સોવા બેઠક પર અત્યારે અનુક્રમે સુનીલ રાણે, પરાગ શાહ અને ભારતી લવેકર વિધાનસભ્ય છે. જોકે આ ત્રણે બેઠક પર BJPમાંથી કોણ ચૂંટણી લડશે એને લઈને છેલ્લા થોડા સમયથી ખેંચતાણ ચાલી રહી છે.
બોરીવલીની બેઠકની વાત કરીએ તો ગઈ ચૂંટણીમાં સુનીલ રાણેને વિનોદ તાવડેની જગ્યાએ ટિકિટ આપવામાં આવી હતી. તેઓ ૨૦૦૪માં શિવડી અને ૨૦૧૪માં વરલી વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પણ બન્ને વખત તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ વખતે તેમને ફરી ટિકિટ આપવી કે એક સમયના બોરીવલીના જ વિધાનસભ્ય અને ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીને એને લઈને પાર્ટી અવઢવમાં હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે લોકસભાના ઇલેક્શન વખતે પીયૂષ ગોયલની ઉમેદવારી જાહેર કર્યા બાદ ગોપાલ શેટ્ટીના ઘરે દેવેન્દ્ર ફડણવીસ આવ્યા હતા અને ત્યારે તેમને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે વિધાનસભામાં બોરીવલીથી પાર્ટી તમને ટિકિટ આપશે. બીજી બાજુ સુનીલ રાણે દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ હોવાથી હવે પાર્ટી આ બે નેતામાંથી કોને પસંદ કરે છે એને લઈને જાતજાતની અટકળો થઈ રહી છે. એવી પણ વાતો કરવામાં આવી રહી છે કે પાર્ટી કદાચ ત્રીજા જ કોઈ ચહેરાને બોરીવલીની બેઠક પરથી ચાન્સ આપે.
ઘાટકોપરમાં પરાગ શાહને પ્રકાશ મહેતાની જગ્યાએ ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે પાર્ટીએ ગઈ કાલના લિસ્ટમાં પરાગ શાહનું નામ જાહેર ન કરતાં ભૂતપૂર્વ વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા તેમ જ પાર્ટીના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડાના નામની પણ ચર્ચા ચાલી રહી છે.
આ બન્ને બેઠક BJPનો ગઢ હોવાથી પાર્ટીને એક વાતની તો ખાતરી છે કે જે પણ અહીંથી લડશે તેના જીતવાના ચાન્સ ઊજળા છે. વર્સોવા બેઠક પર ભારતી લવેકરની વિધાનસભ્ય તરીકે આ બીજી ટર્મ છે. આ બેઠક પર પોતાની ટિકિટ ખતરામાં હોવાનો અણસાર આવી જતાં ગયા અઠવાડિયે જ તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના સાગર બંગલા પર જઈને મીટિંગ કરી હતી.
ગઈ કાલે મુંબઈની જે ૧૪ બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા એમાં મલાડ-વેસ્ટ બેઠકનો પણ સમાવેશ છે. આ સીટ પર ૨૦૧૯માં BJPના રમેશ સિંહ ઠાકુર કૉન્ગ્રેસના અસલમ શેખ સામે હારી ગયા હતા. જોકે આ વખતે પાર્ટીએ આ બેઠક પરથી વિનોદ શેલારને ઉમેદવારી આપી છે.
મુંબઈ સિવાયના MMRમાં શું છે પરિસ્થિતિ?
મુંબઈની ૩૬ બેઠકોને બાદ કરીએ તો મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં મીરા-ભાઈંદર અને ઉલ્હાસનગરની બેઠક પર પણ પાર્ટીએ નામ જાહેર નથી કર્યાં. ૨૦૧૯માં મીરા-ભાઈંદરની બેઠક પરથી પાર્ટીએ નરેન્દ્ર મહેતાને લડાવ્યા હતા, પણ તેઓ અપક્ષ ઉમેદવાર ગીતા જૈન સામે હારી ગયા હતા; જ્યારે ઉલ્હાસનગરની બેઠક પર કુમાર ઉત્તમચંદ ઐલાણીએ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડેલાં જ્યોતિ પપ્પુ કાલાણીને હરાવ્યાં હતાં. આ બધા વચ્ચે ગઈ ચૂંટણીમાં શિવસેનાના ફાળે ગયેલી નાલાસોપારાની બેઠક પર આ વખતે BJPએ ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ રાજન નાઈકને આ બેઠક પરથી ટિકિટ આપી છે. ગઈ ચૂંટણીમાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્મા આ બેઠક પરથી શિવસેનાની ટિકિટ પર ચૂંટણી હાર્યા હતા.
BJPના લિસ્ટના મહત્ત્વના મુદ્દા
જે ૯૯ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે એમાં ૮૯ વિધાનસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે.
સામાન્ય રીતે એક પરિવારમાંથી બે જણને ટિકિટ ન આપતી BJPએ ગઈ કાલે જે ૯૯ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે એમાં મુંબઈથી બે સગા ભાઈઓને ચાન્સ આપ્યો છે. મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારને બાંદરા-વેસ્ટથી અને તેમના ભાઈ વિનોદ શેલારને મલાડ-વેસ્ટથી ઉમેદવારી આપી છે.
નવી મુંબઈના દિગ્ગજ નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંજીવ નાઈક બન્નેએ પાર્ટી પાસે ટિકિટ માગી હતી. જોકે ગઈ કાલના લિસ્ટ મુજબ ગણેશ નાઈકને ઐરોલીથી ટિકિટ આપવામાં આવી છે, પણ તેમના પુત્રને બદલે હાલનાં વિધાનસભ્ય મંદા મ્હાત્રેને જ બેલાપુરથી ઉમેદવારી આપી છે.
BJPએ ગઈ કાલના લિસ્ટમાં પાંચ એવી બેઠકોની પણ જાહેરાત કરી છે જેના પર ગઈ ચૂંટણીમાં શિવસેના ઇલેક્શન લડી હતી.
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરી એક વાર નાગપુર સાઉથ-વેસ્ટમાંથી ઉમેદવારી આપવામાં આવી છે.
BJPના મહારાષ્ટ્રના પ્રેસિડન્ટ અને વિધાન પરિષદના સભ્ય ચન્દ્રશેખર બાવનકુળેને આ વખતે કામઠીમાંથી ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. આ પહેલાં ૨૦૧૯માં કામઠીમાંથી સાવરકર ટેકચંદ શ્રવણને ઉમેદવારી અપાઈ હતી અને તે જીતી ગયા હતા.
વર્ષો સુધી કૉન્ગ્રેસમાં રહ્યા બાદ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણે થોડા વખત પહેલાં BJP જૉઇન કરી હતી. જોકે બે દિવસ પહેલાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ આ વખતે ચૂંટણી નથી લડવાના. BJPએ હવે તેમની પુત્રી શ્રીજયાને ભોકર વિધાનસભાની ઉમેદવારી આપી છે.
શિર્ડીમાંથી BJPએ રાધાકૃષ્ણ વિખે પાટીલને ઉમેદવારી આપી છે.
કણકવલીમાંથી નીતેશ નારાયણ રાણેને ઉમેદવારી આપવામાં આવી છે.
મહાયુતિના બીજા બે પક્ષ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને શિવસેના પણ આજે પહેલું લિસ્ટ બહાર પાડે એવી શક્યતા છે. મહા વિકાસ આઘાડીમાંથી શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે પણ ૩૩ નામ ફાઇનલ કરી દીધાં છે અને એ ગમે ત્યારે જાહેર કરે એવું કહેવાય છે.
મુંબઈ સિવાયના MMRની બેઠકો
બેઠક ઉમેદવાર
નાલાસોપારા રાજન નાઈક
ભિવંડી-વેસ્ટ મહેશ પ્રભાકર ચૌગુલે
કલ્યાણ-ઈસ્ટ સુલભા કાલુ ગાયકવાડ
ડોમ્બિવલી રવીન્દ્ર દત્તાત્રય ચવાણ
થાણે સંજય મુકુંદ કેળકર
ઐરોલી ગણેશ નાઈક
બેલાપુર મંદા વિજય મ્હાત્રે
પનવેલ પ્રશાંત ઠાકુર