માલેગાવના છાવણી પોલીસ-સ્ટેશનમાં બે મુસ્લિમ નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે મહારાષ્ટ્રના માલેગાવમાં આવેલા છાવણી પોલીસ સ્ટેશનમાં ૧૨૫ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝૅક્શન ૨૦૦ બેનામી અકાઉન્ટ્સમાં કરવાના મામલામાં સિરાજ અહમદ અને મોઇન ખાન નામની વ્યક્તિઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતની માહિતી મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને પત્ર લખીને પોલીસ, ઇન્કમ ટૅક્સ વિભાગ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સહિતની તપાસ એજન્સીઓને તપાસ કરવાની માગણી કરી છે.
કિરીટ સોમૈયાએ જાહેર કરેલી પ્રેસ-નોટમાં દાવો કર્યો છે કે ‘૪ દિવસ પહેલાં એટલે કે ૭ નવેમ્બરે મહારાષ્ટ્રના માલેગાવમાં ૨૫૦ કરોડ રૂપિયાનું બેનામી અને હવાલા ટ્રાન્ઝૅક્શન સ્કૅમ પકડવામાં આવ્યું છે. આમાંથી ઑક્ટોબર મહિનામાં માલેગાવમાં ૨૦૦ બેનામી બૅન્ક-અકાઉન્ટમાં ૨૫૦૦ ટ્રાન્ઝૅક્શન કરીને ૧૨૫ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા અને બાદમાં આ રકમ બૅન્કમાંથી ઉપાડી લેવામાં આવી હતી. આ રકમ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતનાં ડઝનેક રાજ્યોમાંથી માલેગાવની બૅન્કનાં બેનામી અકાઉન્ટ્સમાં ડિપોઝિટ કરવામાં આવી હતી જેનો ઉપયોગ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોના મત મેળવવા માટે થવાની શક્યતા છે. આથી આ વોટ જિહાદ છે જેને રોકવામાં આવે. માલેગાવના છાવણી પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે નોંધવામાં આવેલા FIRમાં જણાઈ આવ્યું છે કે ૨૫ કરોડ રૂપિયાનાં હવાલા ટ્રાન્ઝૅક્શન મુંબઈ અને ૫૦ કરોડ રૂપિયાનાં આવાં ટ્રાન્ઝૅક્શન અમદાવાદમાંથી કરવામાં આવ્યાં હતાં. FIR નોંધાયા બાદ સિરાજ અહમદ અને મોઇન ખાન પલાયન થઈ ગયા છે. આ વર્ષે મે મહિનામાં યોજવામાં આવેલી લોકસભાની ચૂંટણીમાં માલેગાવ લોકસભાની બેઠકમાં માલેગાવ સેન્ટ્રલ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને માત્ર ૪૦૦૦ જેટલા મત મળ્યા હતા, જ્યારે કૉન્ગ્રેસના ઉમેદવારને ૧,૯૪,૦૦૦ મત પડ્યા હતા. આ એક પ્રકારની વોટ જિહાદ છે જે વિધાનસભાની ચૂંટણીમાં કરવા માટે કરોડો રૂપિયાનાં બેનામી ટ્રાન્ઝૅક્શન કરવામાં આવ્યાં હોવાની શંકા છે.’