ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે બગાવતનો સામનો કરી રહેલી તમામ પાર્ટીઓના શ્વાસ થઈ ગયા છે અધ્ધર
ગોપાલ શેટ્ટી, ગીતા જૈન, સદા સરવણકર, સ્વીકૃતિ શર્મા, નવાબ મલિક
કેટલાક બળવાખોર છે, કેટલાક મેદાન છોડી દે એવી કોઈકની ઇચ્છા છે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (BJP), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેનાએ ટિકિટ ન આપતાં નારાજ થઈ ગયેલા આ પાર્ટીઓના નેતાઓએ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે એટલે નારાજ થઈ ગયેલા નેતાઓને મનાવવામાં સફળતા મળશે કે કેમ એના પર સૌની નજર છે.
ADVERTISEMENT
ગુજરાતીઓના ગઢ બોરીવલી બેઠક પર BJPના આ વિસ્તારના જ ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટી વિધાનસભાની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને બદલે પાર્ટીએ વિલે પાર્લેમાં રહેતા સંજય ઉપાધ્યાયને ટિકિટ આપી છે. લોકસભાની ચૂંટણીમાં પોતાની ટિકિટ કાપીને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલને ઉમેદવારી આપવામાં આવી હતી અને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારી ન મળતાં નારાજ થઈ ગયેલા ગોપાલ શેટ્ટીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગોપાલ શેટ્ટીને ઉમેદવારી પાછી ખેંચવા સમજાવવા માટે ગઈ કાલે પીયૂષ ગોયલ વડા પ્રધાન કાર્યાલયનો એક સંદેશ લઈને ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ગઈ કાલે મોડી રાત્રે તેઓ દેવેન્દ્ર ફડણવીસને તેમના ‘સાગર’ બંગલા પર જઈને મળ્યા હોવાનું કહેવાય છે. જોકે ગોપાલ શેટ્ટીએ શું નિર્ણય લીધો છે એ વિશે કોઈ જાહેરાત નહોતી કરી.
મીરા-ભાઈંદર વિધાનસભાની બેઠક પર BJP માટે મુશ્કેલી ઊભી થઈ છે. અહીંનાં અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈને શિવસેના અને BJPને પાંચ વર્ષમાં જ્યાં જરૂર પડી ત્યાં સહયોગ કર્યો હતો. આથી તેમને જ ટિકિટ મળવાની શક્યતા હતી. જોકે મહાયુતિમાં BJPના ફાળે ગયેલી આ બેઠક પર નરેન્દ્ર મહેતાની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. આથી નારાજ થઈ ગયેલાં ગીતા જૈને ૨૦૧૯ બાદ ફરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને પીછેહઠ ન કરવાની મક્કમતા દાખવી છે. BJPના વરિષ્ઠ નેતાઓ દ્વારા ગીતા જૈનને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
BJP ઉપરાંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે માટે માહિમ બેઠક અને અંધરી-ઈસ્ટની વિધાનસભા બેઠક માથાનો દુખાવો બની છે. માહિમ બેઠક પર શિવસેનાએ અહીંના વિધાનસભ્ય સદા સરવણકરને ફરી ઉમેદવારી આપી છે. તેઓ મહાયુતિના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં અહીં BJPએ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને સમર્થન આપ્યું છે. સદા સરવણકરને ઉમેદવારી પાછી ખેંચવા સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ પ્રદીપ શર્માનાં પત્ની સ્વીકૃતિ શર્માનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમને વિધાનસભાની ટિકિટની ઑફર આપવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ મુરજી પટેલને ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. આથી નારાજ સ્વીકૃતિ શર્માએ અંધેરી-ઈસ્ટની બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. હવે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે તેઓ શું કરે છે એ જોવું રહ્યું.
મહાયુતિમાં સામેલ અજિત પવારની NCPના અણુશક્તિનગર બેઠકના વિધાનસભ્ય નવાબ મલિકે BJPના ભારે વિરોધ બાદ પણ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર મહાયુતિ તરફથી
શિવસેનાના સુરેશ પાટીલને ઉમેદવારી આપવામાં આવી છે. આમ છતાં અજિત પવારે પણ નવાબ મલિકને ઉમેદવારી આપી છે. આથી BJPએ વિરોધ ચાલુ રાખ્યો છે અને તેમના માટે પ્રચાર ન કરવાનું કહ્યું છે. આથી અજિત પવાર શું કરે છે એના પર પણ બધાની નજર છે.