અજિત પવારે ઉમેદવારી નોંધાવી, તેમની સામે ભત્રીજા યુગેન્દ્રને શરદ પવાર ઉતારે એવી શક્યતા
અજીત પવાર, યુગેન્દ્ર પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારની પાંચ દાયકાથી જ્યાં રાજકીય પકડ છે એ બારામતીમાં લોકસભાની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણીમાં ફરી પવાર પરિવારની લડાઈ થશે. NCPના ભાગલા થયા બાદ અજિત પવારના ફાળે ગયેલી આ પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત અજિત પવારને ઉમેદવારી આપવામાં આવી છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર) તરફથી બારામતીમાં અજિત પવારના ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્રને પહેલી વાર ઉમેદવારી આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. આજકાલમાં યુગેન્દ્ર પવારની ઉમેદવારી જાહેર થઈ શકે છે. આથી લોકસભામાં એક જ પરિવારનાં નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવાર સામસામે લડ્યાં હતાં એવી રીતે કાકા અજિત પવાર અને ભત્રીજા યુગેન્દ્રનો સામનો થશે એ નક્કી થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે અજિત પવાર બારામતી વિધાનસભામાંથી ૧૯૯૧થી સળંગ સાત વખત ચૂંટાઈ આવ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં સુનેત્રા પવારનો કારમો પરાજય થયો હતો અને સુપ્રિયા સુળેને બારામતીમાંથી લીડ મળી હતી એટલે વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર બારામતીને બદલે બીજી કોઈ બેઠક પરથી લડશે એવી અટકળો લગાવાતી હતી. જોકે NCPના ઉમેદવારોના મંગળવારે જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં બારામતીની બેઠક પરથી અજિત પવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આથી અજિત પવાર બીજી કોઈ જગ્યાએથી નહીં પણ બારામતીમાંથી ચૂંટણી લડશે એ નક્કી થઈ ગયું છે.