અત્યાર સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો ફહાદ અહમદ ગઈ કાલે મરાઠા નેતાની પાર્ટીમાં જોડાઈ ગયો
સ્વરા ભાસ્કર પતિ ફહાદ અહમદ સાથે (ડાબે), સના મલિક (જમણે)
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ ગઈ કાલે બહાર પાડેલા ત્રીજા લિસ્ટમાં અણુશક્તિ નગરની બેઠક પરથી નવાબ મલિકની પુત્રી સના મલિક સામે ઍક્ટર સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ટિકિટ આપીને બધાને ચોંકાવી દીધા હતા. ગઈ કાલના ૯ સહિત શરદ પવારની પાર્ટીએ અત્યાર સુધી ૭૬ ઉમેદવાર જાહેર કર્યા છે.
આમ તો સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો ફહાદ ગઈ કાલે જ શરદ પવારની પાર્ટીમાં જોડાયો હતો અને તેને ઉમેદવારી આપવામાં આવી છે. એ પહેલાં એવું માનવામાં આવતું હતું કે તે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડશે, પણ મહા વિકાસ આઘાડીએ બે બેઠક જ સમાજવાદી પાર્ટી માટે રાખી હોવાથી કોઈ ચાન્સ ન દેખાતાં તેણે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.
સમાજવાદી પાર્ટીએ શરૂઆતમાં ૧૨ બેઠક આઘાડી પાસે માગી હતી, પરંતુ મહા વિકાસ આઘાડીએ કોઈ મચક ન આપતાં તેણે પાંચ બેઠકની માગણી કરી હતી. એમાંથી પણ ત્રણ બેઠક પર કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની સેનાએ ઉમેદવાર જાહેર કરી દેતાં હવે સમાજવાદી પાર્ટી માટે માનખુર્દ શિવાજી નગર અને ભિવંડી (પૂર્વ)ની બેઠક જ બાકી રહી ગઈ છે. આ બન્ને બેઠક પર તેમના વિધાનસભ્ય છે. માનખુર્દ શિવાજી નગરથી અબુ આઝમી અને ભિવંડી (પૂર્વ) બેઠક પર રઈસ શેખને ફરી રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે.
ADVERTISEMENT
ફહાદ અહમદ સ્ટુડન્ટ ઍક્ટિવિસ્ટ હતો અને છેલ્લા થોડા સમયથી સમાજવાદી પાર્ટીની યુવા પાંખનો મહારાષ્ટ્રનો અધ્યક્ષ હતો. શરદ પવારે ફહાદને પોતાની પાર્ટીમાં લેતાં પહેલાં અખિલેશ યાદવ સાથે વાત કરી હતી. અણુશક્તિ નગરથી અત્યારે નવાબ મલિક વિધાનસભ્ય છે. હવે ફહાદની એન્ટ્રી થતાં આ બેઠક પર પણ ટક્કર જોવા મળવાની શક્યતા છે.