શિંદેની શિવસેનાની ટિકિટ પરથી ધારાવીમાં ચૂંટણી લડે એવી ચર્ચા
સમીર વાનખેડે
અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ગૅન્ગના ડ્રગ્સના નેટવર્કનો ખાતમો, ઇસ્લામિક પ્રચારક ઝાકિર નાઈક સામેનો મની લૉન્ડરિંગનો કેસ, સિંગર મિકા સિંહે કરેલી કસ્ટમ્સની ચોરીનો કેસ અને શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની કૉર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ જેવા મામલાથી ચર્ચાસ્પદ બનેલા મહારાષ્ટ્રના ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)ના વિવાદાસ્પદ ઑફિસર સમીર વાનખેડે વિધાનસભાની ચૂંટણીથી પૉલિટિક્સમાં એન્ટ્રી મારશે એવી ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાંથી સમીર વાનખેડે ધારાવી વિધાનસભાની બેઠકમાંથી ચૂંટણી લડે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે સમીર વાનખેડેએ આ વિશે ગઈ કાલ સુધી કોઈ પ્રતિક્રિયા નહોતી આપી.
રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં સમીર વાનખેડેએ તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે અને કેન્દ્રનો ગૃહવિભાગ તેમનું રાજીનામું સ્વીકારશે તો જ તેમનો અધિકારીમાંથી નેતા બનવા માટેનો રસ્તો સાફ થશે.
ADVERTISEMENT
૪૪ વર્ષના સમીર વાનખેડે ૨૦૦૮ની બૅચના IRSના અધિકારી છે. ૨૦૨૧માં તેમણે મુંબઈમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)માં ઝોનલ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. એ પહેલાં તેઓ ઍર ઇન્ટેલિજન્સ યુનિટમાં હતા. ૧૫ વર્ષની કરીઅરમાં સમીર વાનખેડેએ ડ્રગ્સની તસ્કરો અને એમના નેટવર્કને નિશાન બનાવીને ૧૭,૦૦૦ કિલો નશીલા પદાર્થ અને ૧૬૫ કિલો સોનું જપ્ત કર્યાં છે. જોકે તેમની સામે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયા છે.
ઉલ્લેખનીય છે કે ધારાવી વિધાનસભાની બેઠકમાં અત્યારે કૉન્ગ્રેસનાં વર્ષા ગાયકવાડ વિધાનસભ્ય છે. વર્ષા ગાયકવાડ લોકસભાની ચૂંટણીમાં વિજયી થતાં સંસદસભ્ય બની ગયા છે. આથી આ બેઠકમાં હવે કૉન્ગ્રેસ કોને ઉમેદવારી આપે છે એ જોવું રહ્યું.

