કૉન્ગ્રેસના ઇલેક્શન ઇન્ચાર્જ અને કર્ણાટકના ગૃહપ્રધાન જી. પરમેશ્વરે MVAની હારનું સાચું કારણ કહ્યું
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડી (MVA)નો કારમો પરાજય થયા બાદ હવે કૉન્ગ્રેસના ઇલેક્શન ઇન્ચાર્જ અને કર્ણાટકના ગૃહપ્રધાન જી. પરમેશ્વરે સ્વીકાર્યું છે કે ત્રણેય પક્ષો વચ્ચે સહકાર અને સમન્વયના અભાવને લીધે અમારે હારનો સામનો કરવો પડ્યો છે.
જરા પણ શબ્દો ચોર્યા વગર તેમણે કહ્યું હતું કે ‘ઘણી બેઠકો પર અમે તેમના માટે કામ ન કર્યું અને એવી જ રીતે અનેક બેઠકો પર તેમણે અમારા ઉમેદવારો માટે કામ ન કર્યું. અમે જ્યારે યુતિમાં હતા ત્યારે અમારે શિવસેના (UBT)ના ઉમેદવારને સપોર્ટ કરવાની જરૂર હતી અને સામા પક્ષે શિવસેનાએ પણ અમારા કૅન્ડિડેટને મદદ કરવાની આવશ્યકતા હતી. આ સમસ્યા શરદ પવારની પાર્ટી સાથે પણ થઈ હતી.’
ADVERTISEMENT
જોકે ત્યાર બાદ તેમણે હારનો ઠીકરો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર પણ ફોડ્યો હતો. જી. પરમેશ્વરે કહ્યું હતું કે ‘અમારી પાર્ટીના નેતાઓની ચર્ચા થઈ એમાં એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આપણે ત્યાં EVM છે ત્યાં સુધી કૉન્ગ્રેસ કે બીજી કોઈ પાર્ટીની સત્તા આવવી શક્ય નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)વાળા EVM હૅક કરવામાં એક્સપર્ટ છે.’
નાના પટોલેએ રાજીનામું આપ્યું હોવાની અફવા ઊડી
વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી ઓછી ૧૬ જ બેઠક મળી છે એટલે પરાજય સ્વીકારીને કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર ગઈ કાલે વહેતા થયા હતા. જોકે કૉન્ગ્રેસના મીડિયા સેલે આ બાબતે ગઈ કાલે મોડી સાંજે સ્પષ્ટતા કરી હતી કે નાના પટોલેએ રાજીનામું નથી આપ્યું, કોઈકે આવા સામાચાર ફેલાવ્યા છે અને એ ખોટા છે.