Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં હિતેન્દ્ર ઠાકુરનો ગઢ કેમ ધરાશાયી થયો એનાં પાંચ કારણ

વસઈ-વિરારમાં હિતેન્દ્ર ઠાકુરનો ગઢ કેમ ધરાશાયી થયો એનાં પાંચ કારણ

Published : 26 November, 2024 01:36 PM | Modified : 26 November, 2024 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્ષેત્રમાંથી હિતેન્દ્ર ઠાકુર ખુદ ૬ વખત વિધાનસભ્ય તરીકે, તેમની પાર્ટી બહુજન વિકાસ આઘાડી (BVA)માંથી પુત્ર ક્ષિતિજ ઠાકુર ત્રણ વખત નાલાસોપારા બેઠક પરથી અને બોઇસર બેઠક પરથી પણ ૨૦૦૯થી તેમનો ઉમેદવાર ચૂંટાઈ આવતો હતો.

હિતેન્દ્ર ઠાકુર

હિતેન્દ્ર ઠાકુર


મુંબઈને અડીને આવેલા વસઈ-વિરાર ક્ષેત્રમાં ૧૯૯૦થી સ્થાનિક નેતા હિતેન્દ્ર ઠાકુરનું એકહથ્થુ શાસન રહ્યું છે. આ ક્ષેત્રમાંથી હિતેન્દ્ર ઠાકુર ખુદ ૬ વખત વિધાનસભ્ય તરીકે, તેમની પાર્ટી બહુજન વિકાસ આઘાડી (BVA)માંથી પુત્ર ક્ષિતિજ ઠાકુર ત્રણ વખત નાલાસોપારા બેઠક પરથી અને બોઇસર બેઠક પરથી પણ ૨૦૦૯થી તેમનો ઉમેદવાર ચૂંટાઈ આવતો હતો. એટલું જ નહીં, ૨૦૦૯માં તેમની પાર્ટીના બલીરામ જાધવ લોકસભામાં પહોંચ્યા હતા. આ વખતની વિધાનસભામાં પહેલી વખત ત્રણેય બેઠક પર BVAનો પરાજય થવાથી હિતેન્દ્ર ઠાકુરનો ગઢ ધરાશાયી થઈ ગયો છે. હિતેન્દ્ર ઠાકુરનો ૩૦૦૦ જેટલા તો ક્ષિતિજ ઠાકુરનો ૩૬,૦૦૦ મતના તફાવતથી પરાજય થયો છે.


હિતેન્દ્ર ઠાકુરના ગઢમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેનાને સફળતા મળવા માટેનાં કેટલાંક કારણો જાણવા મળ્યાં છે.



 BVAના રાજીવ પાટીલ અને મહેશ પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓએ પ્રચારથી દૂર રહેવાની સાથે કાર્યકરોને મત આપવા માટે અપીલ પણ નહોતી કરી. રાજીવ પાટીલ તો વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં હિતેન્દ્ર ઠાકુરનો સાથ છોડીને BJPમાં જોડાયા હોવાની વાત ઊડી હતી. જોકે બાદમાં પોતે હિતેન્દ્ર ઠાકુર સાથે જ હોવાનું તેમણે જાહેર કર્યું હતું. રાજીવ પાટીલ અને મહેશ પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓ ૧૯૯૦થી BVAને આગળ વધારવા માટે કાર્યરત રહ્યા હતા, પણ કોઈ અકળ કારણસર તેઓ આ વખતે નિષ્ક્રિય રહ્યા હતા.


 ૩૫ વર્ષથી BVAને સતત મત આપીને વિજયી બનાવી હોવા છતાં વસઈ-વિરારમાં રસ્તા અને પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો અને વિકાસનાં કામોને જોઈએ એવી ગતિ નથી મળી. આથી સ્થાનિક લોકોને મૂળભૂત સુવિધા નથી મળી રહી. આ કારણસર લોકોએ પરિવર્તન લાવવા માટેનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

 ૧૯૯૦થી કોઈ પણ રાષ્ટ્રીય કે રાજ્યની રાજકીય પાર્ટીના સહયોગ વિના ચૂંટાઈ આવ્યા છીએ એટલે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ આરામથી વિજય મળશે એવા ઓવર-કૉન્ફિડન્સમાં હિતેન્દ્ર ઠાકુર અને તેમની પાર્ટીના નેતાઓ રહ્યા હતા. હિતેન્દ્ર ઠાકુરે તો મતદાનના એક દિવસ પહેલાં જાહેરમાં પોતે જ વિજયી થઈ રહ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. આ અતિ આત્મવિશ્વાસ તેમને ભારે પડ્યો હોવાનું કહેવાય છે.


 ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં એ વખતની અખંડ શિવસેનાએ એકનાથ શિંદેની નજીક ગણાતા ભૂતપૂર્વ પોલીસ-અધિકારી પ્રદીપ શર્માને નાલાસોપારામાં ક્ષિતિજ ઠાકુર સામે ઉમેદવારી આપી હતી. એમાં પ્રદીપ શર્માનો પરાજય થયો હતો, પરંતુ તેમણે એક લાખથી વધુ મત મેળવ્યા હતા. આથી ભવિષ્યમાં આ બેઠક જીતી શકાય છે એમ ધારીને અહીં શિવસેના અને BJPએ મહેનત કરીને ૩૫,૦૦૦ જેટલા પોતાના નવા મતદારો જોડ્યા હતા. આ વખતની ચૂંટણીમાં ક્ષિતિજનો ૩૬,૦૦૦ મતથી પરાજય થયો છે.

 મતદાનના એક દિવસ પહેલાં નાલાસોપારાની વિવાંતા હોટેલમાં ક્ષિતિજ ઠાકુર અને તેમના કાર્યકરોએ BJPના વરિષ્ઠ નેતા વિનોદ તાવડે પર પાંચ કરોડ રૂપિયા વહેંચવાનો આરોપ કરીને તેમને કલાકો સુધી હોટેલમાં ગોંધી રાખ્યા હતા. આ ઘટનાના વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયા હતા. આથી નાલાસોપારાની સાથે વસઈમાં પણ લોકોએ હિતેન્દ્ર ઠાકુરના વિરોધમાં મતદાન કરીને BJPને વિજય અપાવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2024 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK