BJPના રામ શિંદે સામે માત્ર ૧૨૪૩ મતથી જીતેલા કર્જત-જામખેડના વિધાનસભ્યને દાદાએ કહ્યું કે ‘શાણા, તું જરાકમાં બચી ગયો; જો મારી સભા થઈ હોત તો શું થયું હોત?’
અજિત પવારને પગે લાગતો રોહિત પવાર
૨૦૧૯ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગઢ ગણાતી કર્જત-જામખેડ બેઠક પર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના રોહિત પવારનો ભારે રસાકસી બાદ માત્ર ૧૨૪૩ મતથી વિજય થયો હતો. તેમના આ વિજયમાં પોતે આડકતરી રીતે રોલ ભજવ્યો હોવાનો ઇશારો ગઈ કાલે અજિત પવારે કર્યો હતો. ત્યાર બાદ આ બેઠક પરથી હારી ગયેલા BJPના રામ શિંદેએ પોતાને કાવતરું કરીને હરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ અજિત પવાર અને તેમની પાર્ટી પર કર્યો હતો.
ગઈ કાલે શરદ પવારના ગુરુ અને રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણની ૪૦મી મૃત્યુતિથિ નિમિત્તે તેમનું અભિવાદન કરવા શરદ પવાર, અજિત પવાર, રોહિત પવાર સહિતના નેતાઓ કરાડ પહોંચ્યા હતા. અહીં એક કાકા-ભત્રીજા (અજિત પવાર અને શરદ પવાર)નો આમનો-સામનો થતાં જરાકમાં રહી ગયો હતો, પણ અજિત પવાર અને રોહિત પવારનો ભેટો થયો હતો. ત્યારે અજિત પવારે રોહિતને ટોણો મારતાં કહ્યું હતું, બચી ગયો... કાકાનાં દર્શન કરી લે, દર્શન. આ સાંભળીને ત્યાં ઉપસ્થિત લોકો હસવા માંડ્યા હતા. જોકે ત્યાર બાદ રોહિત પવાર કાકાને પગે લાગ્યો હતો.
ADVERTISEMENT
‘શાણા, તું જરાકમાં બચી ગયો. જો મારી સભા થઈ હોત તો શું થયું હોત? બેસ્ટ ઑફ લક.’ અજિત પવારે આટલું કીધા બાદ બન્ને છૂટા પડ્યા હતા.
શરદ પવાર રોહિત પવારના કોણ છે?
રોહિત પવાર શરદ પવારના મોટા ભાઈ અપ્પાસાહેબ પવારના પુત્ર રાજેન્દ્ર પવારનો દીકરો છે. આ રીતે શરદ પવાર રોહિતના દાદા થાય અને અજિત પવાર તેમના કાકા થાય.