વરલીના MLAને વિધાનમંડળમાં પાર્ટીના નેતા બનાવ્યા, જ્યારે ભાસ્કર જાધવની વિધાનસભાના નેતા અને સુનીલ પ્રભુની પ્રતોદ તરીકે નિયુક્તિ કરવામાં આવી
આદિત્ય ઠાકરેની ફાઇલ તસવીર
વિધાનસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના વિરોધ પક્ષોમાં સૌથી વધુ ૨૦ વિધાનસભ્ય ચૂંટાઈ આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે પુત્ર આદિત્ય ઠાકરેની વિધાનમંડળના નેતા (વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોના નેતા) તરીકે નિયુક્તિ કરી હતી. આથી ઉદ્ધવ ઠાકરે જૂથના તમામ વિધાનસભ્યોએ આદિત્ય ઠાકરેના પક્ષસંબંધી તમામ નિર્ણયો માન્ય રાખવા પડશે. માતોશ્રી બંગલામાં આયોજિત બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ ભાસ્કર જાધવની વિધાનસભાના ગટનેતા એટલે કે વિધાનસભાના નેતા અને સુનીલ પ્રભુની પ્રતોદ એટલે કે વ્હિપ તરીકે નિયુક્તિ કરી હતી.
શપથપત્ર લખાવી લેવાશે
ADVERTISEMENT
એકનાથ શિંદે સહિત શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે સાવધ થઈ ગયા છે. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા તમામ વિધાનસભ્યો પક્ષને સમર્પિત રહેશે અને પક્ષપલટો નહીં કરે એવો શપથપત્ર લેવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.