લોકસભાની ચૂંટણીમાં આ બેઠકોમાંથી ૧૬માં મહા વિકાસ આઘાડી, તો ૧૫માં મહાયુતિએ બાજી મારી હતી. આ બેઠકોમાં ભારે રસાકસી જોવા મળી હતી એટલે આગામી ચૂંટણીમાં આ બેઠકોમાં જે સરસાઈ મેળવશે એ સરકાર બનાવશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી મહાયુતિ કે વિરોધ પક્ષોનું સંગઠન મહા વિકાસ આઘાડી બાજી મારશે એનો આધાર રાજ્યની ૩૧ બેઠકો પર હોવાનું જાણવા મળ્યું હતું. આ ૩૧ વિધાનસભા બેઠકોમાં મે મહિનામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી અને ૫૦૦૦ કરતાં ઓછા મતના તફાવતથી હાર-જીત થઈ હતી. આ ૩૧ વિધાનસભા બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીએ ૧૬, તો મહાયુતિએ ૧૫ બેઠક પર સરસાઈ મેળવી હતી. આગામી ચૂંટણીમાં આ ૩૧ બેઠકમાંથી જે ગઠબંધન વધુ બેઠકો મેળવશે એના હાથમાં સત્તાની ચાવી આવવાનું મનાઈ રહ્યું છે. જોકે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની પૅટર્ન અલગ હોય છે, પણ પાતળી સરસાઈથી હાર-જીત થઈ હોય એમાં જેનો હાથ ઉપર હશે એ સરકાર બનાવી શકશે.
રાજ્યની વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીએ ૧૫૮ તો સત્તાધારી મહાયુતિએ ૧૨૫ બેઠક પર સરસાઈ મેળવી હતી. આમ મહાયુતિ ૩૩ વિધાનસભા મતદારસંઘમાં પાછળ રહી હતી. આ ૩૩ બેઠકમાંથી ૩૧ વિધાનસભા બેઠકમાં ભારે સ્પર્ધા જોવા મળી હતી.
ADVERTISEMENT
અહીં ફરી થશે કાંટાની ટક્કર
લોકસભાની ચૂંટણીમાં ૩૧ વિધાનસભાની બેઠકો પર થયેલા મતદાન પર નજર નાખીએ તો મહાયુતિમાં BJPને ૯, શિવસેનાને પાંચ અને NCPને એક સીટ પર લીડ મળી હતી. વિરોધ પક્ષોમાં કૉન્ગ્રેસને ૮, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને બે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષને ૬ બેઠકમાં લીડ મળી હતી. ૩૧ બેઠકની લડાઈમાં BJP સૌથી વધુ ૧૧ બેઠકમાં પાછળ રહી હતી. પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડામાં મહાતિયુને ફટકો પડ્યો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં મહાયુતિએ ૭૦માંથી ૩૦ બેઠક લીધી હતી, જ્યારે વિદર્ભમાં ૬૨ બેઠકમાંથી માત્ર ૧૯ અને મરાઠવાડામાં ૪૬ બેઠકમાંથી માત્ર ૧૧ સીટમાં લીડ લીધી હતી. આની સામે ઉત્તર મહારાષ્ટ્ર, થાણે અને કોંકણમાં મહાતિયુનું પ્રદર્શન સારું રહ્યું હતું.