કૉન્ગ્રેસ ૧૦૩-૧૦૮, ઉદ્ધવ ઠાકરે ૯૦-૯૫ અને શરદ પવાર ૮૦-૮૫ બેઠક લડશે
મહા વિકાસ આઘાડીના ટોચના નેતા
મહારાષ્ટ્રના વિરોધ પક્ષોના ગઠબંધન મહા વિકાસ આઘાડીના ટોચના નેતાઓની ગઈ કાલે માતોશ્રીમાં બેઠક થઈ હતી, જેમાં વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની સમજૂતી બાબતે લાંબી ચર્ચા થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતની આગેવાનીમાં થયેલી બેઠકમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર જૂથના જિલ્લાધ્યક્ષ જયંત પાટીલ સહિતના વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી કૉન્ગ્રેસને સૌથી વધુ ૧૦૩-૧૦૮, ઉદ્ધવ ઠાકરેને ૯૦-૯૫ અને શરદ પવારને ૮૦-૮૫ બેઠક અને સમાજવાદી સહિતના નાના પક્ષોને ૩થી ૬ બેઠક ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈનું શું?
મુંબઈની ૩૬ બેઠકમાંથી ઉદ્ધવ ઠાકરેને સૌથી વધુ ૧૮, કૉન્ગ્રેસને ૧૪ અને શરદ પવારને બે બેઠક ફાળવવામાં આવી હોવાનું કહેવાય છે. બાકીની બેઠકો સમાજવાદી પાર્ટી અને અન્ય નાના પક્ષોને ફાળવવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ કહ્યું હતું. મહા વિકાસ આઘાડીએ જોકે હજી સુધી આ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી આપી.