શિવસેનાના વિધાનસભ્ય શ્રીનિવાસ વનગા બાદ હવે પક્ષમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભૂતપૂર્વ વિધાનસભ્ય અમિત ઘોડા, જગદીશ ઘોડી અને પ્રકાશ નિકમ નૉટ રીચેબલ
શ્રીનિવાસ વનગા, અમિત ઘોડા, જગદીશ ઘોડી, પ્રકાશ નિકમ
પાલઘર જિલ્લાના પાલઘર, બોઇસર અને વિક્રમગડ વિધાનસભા મતદારસંઘમાં મહાયુતિને બળવાનું ગ્રહણ લાગ્યું છે. પાલઘર વિધાનસભાની બેઠકના શિવસેનાના અત્યારના વિધાનસભ્ય શ્રીનિવાસ વનગાને ટિકિટ ન આપતાં તેઓ ત્રણ દિવસ ગાયબ થઈ ગયા હતા. હવે પક્ષે જાહેર કરેલા ઉમેદવાર સામે બળવો કરનારા ભૂતપૂર્વ વિધાનસભ્ય અમિત ઘોડા, જગદીશ ઘોડી અને પ્રકાશ નિકમ નૉટ રીચેબલ હોવાનું જાણવા મળ્યું હતું. આથી મહાયુતિની સાથે તેમના ઉમેદવારનું ટેન્શન વધી ગયું છે. એક પછી એક નેતા ગાયબ થઈ રહ્યા છે એની અત્યારે ચર્ચા થઈ રહી છે. પાલઘર વિધાનસભાની ટિકિટ શિવસેનાએ રાજેન્દ્ર ગાવિતને આપતાં ભૂતપૂર્વ વિધાનસભ્ય અમિત ઘોડાએ નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. પક્ષના વરિષ્ઠો તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ અમિત ઘોડા ૨૪ કલાકથી નૉટ રીચેબલ છે. આવી જ રીતે એકનાથ શિંદેની શિવસેનાના નેતા જગદીશ ઘોડી ત્રણ દિવસથી નૉટ રીચેબલ છે. તેમણે બોઇસર વિધાનસભાની બેઠક પર શિવસેનાના ઉમેદવાર વિલાસ તરે સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કટ્ટર સમર્થક પ્રકાશ નિકમ પણ નારાજ છે એટલે તેમણે વિક્રમગડ બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે એટલે આ નેતાઓનો સંપર્ક નહીં થાય તો સત્તાવાર જાહેર કરવામાં આવેલા ઉમેદવાર અને પક્ષ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.