કોઈ પક્ષની ઉમેદવારી ન મળતાં વિધાનસભ્ય ગીતા જૈન ફરી અપક્ષ લડશેઃ BJPના નરેન્દ્ર મહેતા અને કૉન્ગ્રેસના મુઝફ્ફર હુસૈન પણ મેદાનમાં
ગીતા જૈન, નરેન્દ્ર મહેતા, મુઝફ્ફર હુસૈન
ગુજરાતી, રાજસ્થાની અને જૈનોની બહોળી વસ્તી ધરાવતા મીરા-ભાઈંદરમાં અત્યારે ગીતા જૈન અપક્ષ વિધાનસભ્ય છે. તેમના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે સારા સંબંધ છે એટલે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) અથવા તો શિવસેનામાંથી ટિકિટ મળવાની અપેક્ષા હતી. જોકે ગઈ કાલે સવારના મીરા-ભાઈંદરની વિધાનસભા માટે BJPએ આ બેઠકના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાની ઉમેદવારી જાહેર કરી હતી. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ઉમેદવારી કોને મળશે એનું સસ્પેન્સ ખતમ થયું હતું. ઉમેદવારી ન આપવામાં આવતાં ગીતા જૈને અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આથી ૨૦૧૯ની ચૂંટણીની જેમ આ વખતે પણ મીરા-ભાઈંદરની બેઠક પર ફરી BJPના નરેન્દ્ર મહેતા, કૉન્ગ્રેસના મુઝફ્ફર હુસૈન અને ગીતા જૈન વચ્ચે ચૂંટણીનો જંગ થશે.
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ઉમેદવારી ન આપવા વિશે ગીતા જૈને ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘દેવેન્દ્ર ફડણવીસે મને સવારના કૉલ કરીને કહ્યું હતું કે મજબૂરી છે એટલે આ વખતે તમને ઉમેદવારી નહીં આપી શકાય. મેં તેમને કઈ મજબૂરી છે એવો સવાલ કર્યો ત્યારે તેમણે એનો જવાબ નહોતો આપ્યો. ત્રણ દિવસથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન મને જ ટિકિટ આપવાની વાત કરતા હતા અને અચાનક બીજાને ઉમેદવારી આપી એનો વસવસો છે. જનતા મને પૂછી રહી છે કે એવી કઈ મજબૂરી હતી જેને લીધે ટિકિટ કાપવામાં આવી. ૨૦૧૯માં હું ચૂંટણી લડી હતી અને આ વખતે જનતા ચૂંટણી લડશે.’