જેને ટિકિટ આપી તેઓ ખસી ગયા, જેમને ટિકિટ નહોતી આપી તેઓ બળવો કરીને મેદાનમાં છે એટલે હવે તેમને સપોર્ટ જાહેર કર્યો
મહારાષ્ટ્ર મહાસંગ્રામ
મધુરિમા રાજે અને રાજેશ લાટકર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ૨૦ નવેમ્બરે મતદાન થવાનું છે, પણ કોલ્હાપુર નૉર્થ બેઠક પર છેલ્લી ઘડીએ કૉન્ગ્રેસના છત્રપતિના શાહી પરિવારનાં મધુરિમારાજેએ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એટલે મતદાન પહેલાં જ કૉન્ગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કોલ્હાપુર નૉર્થમાં અત્યારે જયશ્રી જાધવ વિધાનસભ્ય છે. કૉન્ગ્રેસે તેમની ટિકિટ કાપીને રાજેશ લાટકરને ઉમેદવારી આપી હતી. જોકે પક્ષના વરિષ્ઠના નેતાઓએ બાદમાં રાજેશ લાટકરની ઉમેદવારી રદ કરીને છત્રપતિના શાહી પરિવારના આગ્રહથી મધુરિમારાજેને ટિકિટ આપી હતી. ગઈ કાલે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે મધુરિમારાજેએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આથી મતદાન પહેલાં કૉન્ગ્રેસ આઉટ થઈ ગઈ છે. જોકે નારાજ થઈ ગયેલા રાજેશ લાટકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી એટલે હવે તેમને મનાવીને મહા વિકાસ આઘાડીનો ટેકો આપવામાં આવશે એવી જાહેરાત ગઈ કાલે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કરી હતી. હવે કૉન્ગ્રેસ પાસે પોતાનો ઉમેદવાર નથી એટલે બળવો કરનારા ઉમેદવારને ટેકો આપવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નથી.