જોકે લાત ખાનારી વ્યક્તિ કહે છે કે મને લાત નથી પડી
વિડિયોમાં ફોટોફ્રેમમાં આવી રહી હોવાથી બાજુમાં ઊભેલી વ્યક્તિને એક પગ ઊંચો કરીને રાવસાહેબ દાનવે લાત મારી રહ્યા હોવાનું દેખાય છે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેનો બાજુમાં ઊભી રહેલી વ્યક્તિને લાત મારવાનો વિડિયો ખૂબ વાઇરલ થયો છે. વિડિયોમાં ફોટોફ્રેમમાં આવી રહી હોવાથી બાજુમાં ઊભેલી વ્યક્તિને એક પગ ઊંચો કરીને રાવસાહેબ દાનવે લાત મારી રહ્યા હોવાનું દેખાય છે. રાવસાહેબ દાનવેના જાલનામાં આવેલા ભોકરદાનના ઘરે ભૂતપૂર્વ પ્રધાન અર્જુન ખોતકર સોમવારે ગયા હતા. રાવસાહેબ દાનવેએ અર્જુન ખોતકરનું સન્માન કર્યું હતું. જ્યારે ફોટો પાડવામાં આવી રહ્યો હતો ત્યારે બાજુમાં ઊભેલા શેખ અહમદ નામના BJPના કાર્યકરને પાછળથી લાત મારી હતી. શેખ અહમદ ફોટોફ્રેમમાં આવી રહ્યો હતો એટલે રાવસાહેબ દાનવેએ તેને બાજુમાં ખસવા માટે લાત મારી હોવાનો દાવો વિરોધ પક્ષના નેતાઓએ કર્યો હતો. જોકે આ વિડિયો વાઇરલ થવાની સાથે વિરોધ પક્ષો રાવસાહેબ દાનવેની ટીકા કરતા હોવાનું ધ્યાનમાં આવતાં શેખ અહમદે આ ઘટના વિશે ખુલાસો કરતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘રાવસાહેબ દાનવે ઘરેથી કપડાં બદલીને આવ્યા હતા. તેમનો ઝભ્ભો પાછળથી અટકેલો હતો. મેં તેમને કાનમાં કહ્યું કે દાદા તમારો ઝભ્ભો અટકેલો છે. તેઓ મારી વાત સમજી નહોતા શક્યા અને તેમણે શરીરને ઝટક્યું હતું. આમ કરવામાં એવું લાગે છે કે તેમણે મને લાત મારી છે. આથી જે વાત ફેલાવવામાં આવી રહી છે એ ખોટી છે. વિરોધી પાર્ટી ખોટી બદનામી કરી રહી છે. દાનવેસાહેબ સાથે મારી ૩૦ વર્ષથી મિત્રતા છે. તેઓ ઍરપોર્ટ પર ઊતરે ત્યારે મને ફોન કરીને હંમેશાં કહે છે કે ક્યાં છે? મારા ઘરે આવી જા, સાથે જમીશું. મારા તેમની સાથે સારા સંબંધ છે.’