વરલીની બીડીડી ચાલના રહેવાસીઓએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર
વરલીમાં આવેલી બીડીડી ચાલમાં રહેતા રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે રાજકીય પક્ષોએ લોકોના મત મેળવવા માટેની તૈયારીઓ આરંભી છે ત્યારે વરલીમાં આવેલી બીડીડી ચાલમાં રહેતા રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ રહેવાસીઓએ તેમની ચાલની બહાર એક મોટું પોસ્ટર લગાવ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે અમે વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. આથી મત માગવા માટે અમારી ચાલમાં કોઈ પગ નહીં મૂકતા. વરલી બીડીડી ચાલના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર અને મ્હાડાના અધિકારીઓએ ગરબડ કરી હોવાનો આરોપ આ રહેવાસીઓનો છે. આથી તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે વરલી વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે છે અને શિવેનાના ભાગલા અને ભારતીય જનતા પાર્ટી સાથેની યુતિ નથી એટલે આ બેઠકમાં આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી થવાની શક્યતા છે. એવા સમયે સ્થાનિક રહેવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એનાથી દરેક પાર્ટીની મુશ્કેલી વધવાની શક્યતા છે.