મુંબઈનાં સબર્બ્સમાં ૭૦% મતદાન કરાવવા આવી કોશિશ થવાની છે
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે મતદાનકેન્દ્રમાં એક મતદાર ૪૫ સેકન્ડમાં મત નોંધાવી શકે એ માટેની તૈયારી કરી છે. મુંબઈ ટાઉનની તુલનાએ મુંબઈ સબર્બ્સમાં વધુ મતદારો છે એટલે મતદાનકેન્દ્રોમાં લાંબી લાઇન જોવા મળે છે. જોકે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈ સબર્બન જિલ્લા દ્વારા ચૂંટણીપંચે નિર્ધારિત કરેલા ૪૫ સેકન્ડના સમયમાં જ એક વ્યક્તિ મતદાન કરી શકે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
મુંબઈ સબર્બન જિલ્લામાં વિધાનસભાની ૨૬ બેઠક છે અને અહીં મહિલાઓ અને પુરુષો મળીને કુલ ૭૬,૮૬,૦૯૮ મતદાર છે, જેમના માટે ૭૫૬૯ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. એટલે કે સરેરાશ દરેક મતદાનકેન્દ્રમાં ૧૦૦૦ જેટલા મતદાર હશે. ૨૫ મતદાનકેન્દ્રમાં અગાઉ સરેરાશ કરતાં ઘણા વધારે મતદારોનાં નામ હતાં એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આથી અગાઉ જ્યાં ૧૨૦૦ કે એનાથી વધુ મતદાર એક મતદાનકેન્દ્રમાં હતા એમાં ઘટાડો થયો છે.
ADVERTISEMENT
ચૂંટણીપંચના અધિકારીના જણાવ્યા મુજબ ઘણી વાર મતદાનકેન્દ્રમાં લાંબી લાઇન જોઈને લોકો મત આપ્યા વિના જ પાછા જતા રહે છે. આને કારણે મતદાનની ટકાવારી ઓછી રહે છે. લાઇનની સમસ્યાનો ઉકેલ લાવવા માટે દરેક મતદાનકેન્દ્રમાં ૪૫ સેકન્ડ એટલે કે પોણી મિનિટમાં જ મતદાન થઈ જાય એ માટેની તૈયારી કરવામાં આવી છે. આ તૈયારી પ્રમાણે સબર્બ્સમાં ૭૦ ટકા મતદાન કરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.