૨૦૧૯માં થયેલી પરોઢની શપથવિધિને લઈને અજિત પવારે કર્યો નવો ધડાકો...
અજિત પવાર
રાજ્ય વિધાનસભાની ચૂંટણીને હવે એક અઠવાડિયું બાકી છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે ૨૦૧૯માં પરોઢના સમયે કરવામાં આવેલી શપથવિધિને લઈને નવો ધડાકો કર્યો છે. અજિત પવારે ન્યુઝલૉન્ડ્રી નામની યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સરકાર બનાવવા માટે દિલ્હીમાં કુલ પાંચ બેઠક થઈ હતી. એમાંની એક મીટિંગ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે થઈ હતી એમાં અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, પ્રફુલ પટેલ, પવારસાહેબ (શરદ પવાર), ગૌતમ અદાણી અને હું પણ હાજર હતો. એ વાત બધા જાણે છે પણ એ વાત કાઢવાનો હવે કોઈ અર્થ નથી. આ શપથવિધિનો સંપૂર્ણ દોષ મારા પર નાખવામાં આવ્યો હતો અને એની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને મેં બીજા નેતાઓને બચાવ્યા પણ હતા.’
આ બધું ચાલતું હતું ત્યારે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું હતું એવો પ્રશ્ન પૂછવામાં આવતાં અજિત પવારે કહ્યું હતું કે ‘શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું હોય છે એ દુનિયાની કોઈ પણ વ્યક્તિ નહીં કહી શકે, મારાં કાકી પણ નહીં.’
ADVERTISEMENT
અજિત પવારે અત્યારે ગૌતમ અદાણીનું નામ શું કામ જાહેર કર્યું એને લઈને જાતજાતના તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.