૧૬ કરતાં વધુ ઉમેદવાર હોવાથી મુંબઈની ૪ સહિત રાજ્યની ૮૭ બેઠકનાં મતદાનકેન્દ્રોમાં બે-બે EVM મૂકવાની જરૂર પડશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો ફાઇનલ થઈ ગયા બાદ ખ્યાલ આવ્યો છે કે મુંબઈની ચાર સહિત રાજ્યની ૮૭ બેઠકોનાં મતદાનકેન્દ્રોમાં બે-બે ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) મૂકવાં પડશે. બે EVM હશે એવા મતદાનકેન્દ્રમાં ઉમેદવારોનાં નામ અને ચૂંટણીચિહન શોધવામાં મતદારોને થોડો વધુ સમય લાગશે એટલે આવા કેન્દ્રમાં મતદાનની પ્રક્રિયા ધીમી રહેશે. રાજ્યના ચૂંટણીપંચના અધિકારીના જણાવ્યા મુજબ એક EVMમાં વધુમાં વધુ ૧૬ ઉમેદવારનાં નામનો સમાવેશ કરી શકાય છે. આથી ૧૬ કરતાં વધારે ઉમદવાર હોય એવા મતદાનકેન્દ્રમાં બે EVM મૂકવાં પડશે. રાજ્યની ૨૮૮ વિધાનસભામાંથી નાંદેડ સાઉથ બેઠક પર સૌથી વધુ ૩૮ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. મુંબઈમાં જોગેશ્વરી બેઠકમાં ૨૨, દિંડોશી બેઠકમાં ૧૯, મલાડ બેઠકમાં ૧૮ અને માનખુર્દ-શિવાજીનગર બેઠકમાં ૨૨ ઉમેદવાર છે.