લોકસભાની ચૂંટણી વખતે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ મતદારોએ બહુ મોટા પ્રમાણમાં બહાર નીકળીને મતદાન કર્યું હતું
પ્રતીકાત્મક તસવીર
લોકસભાની ચૂંટણી વખતે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ મતદારોએ બહુ મોટા પ્રમાણમાં બહાર નીકળીને મતદાન કર્યું હતું, જ્યારે બુધવારે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં એનાથી વિપરીત ચિત્ર જોવા મળ્યું હતું. મુસ્લિમ બહુમતીવાળા મુમ્બાદેવી, અણુશક્તિનગર, માનખુર્દ-શિવાજીનગર, ભાયખલા અને મલાડ મતદાર સંઘમાં લોકસભાના પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું.
લોકસભાની ચૂંટણીનાં પરિણામ બાદ મુસ્લિમ મતદારોએ કરેલા મતદાનનો મુદ્દો રાજકીય પક્ષોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને એથી વિધાનસભાની આ ચૂંટણીમાં પણ મુસ્લિમોનું મતદાન નિર્ણાયક બની શકે એવા દાવા અને પ્રતિદાવ થતા હતા. જોકે આ વખતે મુસ્લિમ મતદારોમાં એ ઉત્સાહ જોવા નહોતો મળ્યો. એ મતદાર સંઘોના પોલિંગ બૂથ પર સવારથી જ લાંબી લાઇનો હોવાની અપેક્ષા હતી પણ એ સામે એ બૂથ પર પ્રમાણમાં ઓછી ભીડ જોવા મળી હતી. બપોર પછી થોડા વધુ મતદાર મત આપવા આપ્યા હતા પણ ઓવરઑલ મતદાન લોકસભાની સરખામણીએ ઓછું જ થયું હતું. ઇલેક્શન કમિશને આપેલા આંકડાઓ મુજબ મુમ્બાદેવીમાં ૪૮.૭૬ ટકા, ભાયખલામાં ૫૩ ટકા, માનખુર્દ-શિવાજીનગરમાં બાવન ટકા, અણુશક્તિનગરમાં ૫૪ ટકા અને મલાડ-વેસ્ટમાં ૫૩.૪૦ ટકા મતદાન નોંધાયું હતું.