MNSની અરજી પહેલાં આવી હોવાથી ઉદ્ધવ ઠાકરેને ૧૭ નવેમ્બર માટે આ મેદાન ન મળ્યું
રાજ ઠાકરે
દાદરના શિવાજી પાર્કમાં ઇલેક્શન પહેલાંના છેલ્લા રવિવારે સભા કરવા માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે ચાલી રહેલી રસાકસી વચ્ચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ ગઈ કાલે MNSને સભા કરવાની પરવાનગી આપી હતી. હવે બાળ ઠાકરેના સ્મૃતિદિને આ મેદાન પર રાજ ઠાકરેની ગર્જના મુંબઈકરોને સાંભળવા મળશે.
૧૭ નવેમ્બરે આ ગ્રાઉન્ડ પર પોતાની સભા કરવા માટે ઉદ્ધવ ઠાકરે આગ્રહી હતા અને તેમણે એને માટેનું કારણ આપતાં કહ્યું હતું કે ૧૭ નવેમ્બરે બાળાસાહેબ ઠાકરેનો સ્મૃતિદિન હોવાથી તેમનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં શિવસૈનિક આવવાના હોવાથી કોઈ પણ પ્રકારનો સંઘર્ષ ન થાય એ માટે અમને સભા યોજવા શિવાજી પાર્ક મેદાન મળવું જોઈએ.
ADVERTISEMENT
જોકે બન્ને ભાઈઓના ઝઘડાને લીધે BMCએ તેમની અરજી રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગને સોંપી દીધી હતી જેણે MNSને પરવાનગી આપવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે BMCના એક અધિકારીએ કહ્યું હતું કે અમારી પાસે MNSની અરજી પહેલાં આવી હોવાથી તેમને પરવાનગી આપવામાં આવી છે. અહીં નોંધનીય વાત એ છે કે ૧૦ નવેમ્બર માટે શિવાજી પાર્ક એકનાથ શિંદેએ, ૧૨ નવેમ્બર માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ અને ૧૪ નવેમ્બર માટે અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે બુક કરાવ્યું હોવાથી રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ ૧૭ નવેમ્બર માટે પરવાનગી માગી હતી.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર સોમવારે પૂરો થવાનો હોવાથી રવિવારની શિવાજી પાર્કની સભાનું મહત્ત્વ વધી જાય છે. હવે આ સભામાં રાજ ઠાકરે શું બોલે છે એના પર બધાની નજર છે. આ વિસ્તારમાં આવેલી માહિમ વિધાનસભાની બેઠક પરથી તેમનો પુત્ર અમિત ઠાકરે મેદાનમાં છે.