બહુ મનામણાં-રિસામણાં બાદ કૉન્ગ્રેસે ૪૮ ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું, પણ...
ગઈ કાલે અમરાવતીની તિવસા બેઠક પરથી નૉમિનેશન ફૉર્મ ભરી રહેલાં કૉન્ગ્રેસનાં યશોમતી ઠાકુર. ત્યારે તેમની સાથે પહેલવાન અને હરિયાણાથી કૉન્ગ્રેસની વિધાનસભ્ય બનેલી વિનેશ ફોગાટ પણ હતી.
બહુ મનામણાં-રિસામણાં બાદ ગઈ કાલે રાત્રે કૉન્ગ્રેસે એના ૪૮ ઉમેદવારોનું પહેલું લિસ્ટ બહાર પાડ્યું હતું. જોકે આ લિસ્ટ પરથી એવું સ્પષ્ટ થતું હતું કે મહા વિકાસ આઘાડીના ત્રણેય પક્ષોમાં હજી પણ ટિકિટની ફાળવણીને લઈને સહમતી નથી બની. આ જ કારણસર કૉન્ગ્રેસે સૌથી છેલ્લે હોવા છતાં ૪૮ બેઠકોના ઉમેદવારોનાં જ નામ જાહેર કર્યાં હતાં. આ બેઠકોમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે જે સીટને લઈને ખેંચતાણ ચાલી રહી છે એનાં નામ જાહેર કરવામાં નથી આવ્યાં.
ગઈ કાલના લિસ્ટમાં મુંબઈની માત્ર ચાર બેઠકોનાં નામ જ જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં મલાડ (વેસ્ટ)થી અસલમ શેખ અને મુમ્બાદેવીથી અમીન પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે ધારાવીથી વર્ષા ગાયકવાડનાં બહેન જ્યોતિ ગાયકવાડને અને ચાંદિવલીથી નસીમ ખાનને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આ સિવાય મીરા-ભાઈંદરથી મુઝફ્ફર હુસેનને ટિકિટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
નવાઈની વાત એ છે કે કૉન્ગ્રેસનું લિસ્ટ ગઈ કાલે રાત્રે બહાર આવ્યું, પણ એની પહેલાં અમરાવતીની તિવસા બેઠક પરથી પાર્ટીનાં નેતા યશોમતી ઠાકુરે ગઈ કાલે બપોરે જ પહેલવાન અને કૉન્ગ્રેસનાં હરિયાણાનાં વિધાનસભ્ય વિનેશ ફોગાટની હાજરીમાં નૉમિનેશન દાખલ કરી દીધું હતું. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને તેમની પારંપરિક બેઠક કરાડ સાઉથથી ફરી એક વાર ઉમેદવારી આપવામાં આવી છે. સ્વ. વિલાસરાવ દેશમુખના બન્ને પુત્રો ધીરજ અને અમિત દેશમુખને અનુક્રમે લાતુર ગ્રામીણ અને લાતુર શહેરની બેઠક પરથી તક આપવામાં આવી છે.