BJPના બધા વિધાનસભ્યોને આવતી કાલે મુંબઈમાં આવવાનું ફરમાન જાહેર
ચંદ્રશેખર બાવનકુળે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાને નિયુક્ત કરવા માટેની બેઠક નથી મળી એટલે જાત-જાતની અટકળો કરવામાં આવી રહી છે. અગાઉ ૧ ડિસેમ્બરે એટલે કે ગઈ કાલે કેન્દ્રીય ઑબ્ઝર્વર મુંબઈ આવવાની ચર્ચા હતી, પણ દિલ્હીથી કોઈ મુંબઈ નહોતું આવ્યું. હવે આવતી કાલે પક્ષના ઑબ્ઝર્વર આવશે અને ચૂંટાઈ આવેલા વિધાનસભ્યો સાથે બેઠક કરીને પક્ષના નેતાની નિયુક્તિ કરશે એમ BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું. આગામી મુખ્ય પ્રધાન વિશે પૂછવામાં આવતાં ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘તમારા મગજમાં જેનું નામ ચાલી રહ્યું છે તે જ મુખ્ય પ્રધાન બનશે. આવતી કાલે પાર્ટીના તમામ વિધાનસભ્યોને મુંબઈ આવવાનું કહેવામાં આવ્યું છે. આવતી કાલે પાર્ટીની બેઠક થશે એમાં સત્તાવાર રીતે પાર્ટીના નેતાની નિયુક્તિ કરવામાં આવશે અને આ જ નેતા રાજ્યના આગામી મુખ્ય પ્રધાન બનશે.’