જોકે ગુજરાતી-જૈનોની વસ્તીવાળા મીરા-ભાઈંદરની બેઠકમાં કોઈનું નામ જાહેર ન કરાતાં સસ્પેન્સ કાયમ
સુનીલ રાણે, પરાગ શાહ
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પચીસ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. એમાં મુંબઈની બોરીવલી બેઠકના વિધાનસભ્ય સુનીલ રાણેનું પત્તું કટ કરવામાં આવ્યું હતું, જ્યારે ઘાટકોપર-ઈસ્ટમાંથી ફરી પરાગ શાહ અને વર્સોવા બેઠકમાંથી ત્રીજી વખત ભારતી લવેકરને ઉમેદવારી આપવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતીઓના ગઢ બોરીવલી અને ઘાટકોપર-ઈસ્ટમાં ટિકિટ આપવા માટેનું સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ત્રીજી યાદીમાં પચીસ ઉમેદવાર જાહેર કરવાની સાથે અત્યાર સુધી ૧૪૬ બેઠકનો નિર્ણય લેવાઈ ગયો છે. મહાયુતિમાં BJP ૧૫૧થી ૧૫૬ બેઠક લડવાની શક્યતા છે. આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે એટલે આજે બાકીના ઉમેદવારોનાં નામ પણ જાહેર કરવામાં આવશે.
BJPએ બોરીવલી વિધાનસભામાંથી સતત ત્રીજી વખત બોરીવલીમાં ન રહેતા હોય તેવા ઉમેદવાર તરીકે સંજય ઉપાધ્યાયને ટિકિટ ફાળવી છે. ૨૦૧૪માં વિનોદ તાવડે અને ૨૦૧૯માં સુનીલ રાણેને આ બેઠકમાં ઉતારવામાં આવ્યા હતા. આ વખતે સુનીલ રાણેનું પત્તું કટ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બીજી તરફ ઘાટકોપર-ઈસ્ટ બેઠકના અત્યારના વિધાનસભ્ય પરાગ શાહને પહેલી કે બીજી યાદીમાં ઉમેદવારી કેમ ન આપવામાં આવી એનું ઘાટકોપરની જનતાને આશ્ચર્ય થતું હતું. અહીં ઉમેદવારી મેળવવા ભારે ખેંચતાણ હતી એટલે ઉમેદવારી જાહેર કરવામાં મોડું થઈ રહ્યું હોવાની પણ ચર્ચા હતી.
પહેલી અને બીજી યાદીમાં BJPએ વર્સોવા વિધાનસભા બેઠકનાં અત્યારનાં વિધાનસભ્ય ભારતી લવેકરનું નામ જાહેર aનહોતું કર્યું એટલે લાગતું હતું કે તેમનું પત્તું કટ કરવામાં આવશે. જોકે ગઈ કાલે ત્રીજી યાદીમાં BJPએ ત્રીજી વખત ભારતી લવેકરની ઉમેદવારી જાહેર કરી હતી.
BJPની ઉમેદવારીની ત્રીજી યાદીમાં વસઈમાંથી સ્નેહા દુબે અને દહાણુમાંથી વિનોદ મેઢાનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં.
મીરા-ભાઈંદરનું સસ્પેન્સ કાયમ
BJPએ ગુજરાતી અને જૈનોની બહોળી વસ્તી ધરાવતા મીરા-ભાઈંદરની બેઠકમાં કોઈનું નામ જાહેર નથી કર્યું એટલે અહીંથી ચૂંટણી લડવા માટે ગઈ કાલે ઉમેદવારી નોંધાવનારાં ગીતા જૈન અને નરેન્દ્ર મહેતામાંથી કોને ટિકિટ આપવામાં આવશે એ સસ્પેન્સ છે.