કિરીટ સોમૈયાએ કહ્યું કે માલેગાંવમાં ૧૦૦ કરોડ રૂપિયા દુબઈથી પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કિરીટ સોમૈયા
મહારાષ્ટ્રના માલેગાંવની પોલીસે બેનામી બૅન્કના ખાતામાં ૨૫૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાના મામલામાં બે આરોપીની ધરપકડ કરી હતી. આ રૂપિયા મુંબઈ અને ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘માલેગાંવમાં બૅન્કોનાં અકાઉન્ટ્સમાં ભારતમાંથી જ નહીં પણ દુબઈથી પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વોટ જેહાદ કરવા માટે સિરાજ મોહમ્મદ હારુન મેમણનાં દુબઈમાં પાંચ બિઝનેસ અકાઉન્ટ છે. એમાંથી ભારતની બૅન્કોમાં ૧૦૦ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન્સ કરવામાં આવ્યાં છે. મોહમ્મદ હારુન દ્વારા ભારતમાં વોટ જેહાદ કરી રહેલા મિત્ર સલમાન સલીલ મિરઝા (એમ. કે. એન્ટરપ્રાઇઝિસ)ના અકાઉન્ટમાં ૩૭,૮૮,૫૧,૮૯૮ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સિરાજ મોહમ્મદના અકાઉન્ટમાં દેશભરનાં ૨૧ રાજ્યનાં ૨૦૦ અકાઉન્ટમાંથી ૨૫૨ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમાંથી ૫૮ કરોડ રૂપિયા બૅન્કમાંથી કાઢીને વોટ જેહાદ કરવા માટે માલેગાંવના વિવિધ એજન્ટોને આપવામાં આવ્યા છે.’